GUJARATKUTCHMANDAVI

આંગણવાડી કાર્યકર તેમજ મુખ્યસેવિકાની મહેનતથી દયાપરની કુપોષિત બાળકી આયેજા બની સ્વસ્થ.

પોષણ પુનર્વસન કેન્દ્રમાં સારવાર તથા આંગણવાડી કાર્યકરોની દેખરેખ સાથે બાલશક્તિના ઉપયોગથી બાળકીના વજનમાં થયો સુધારો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – દયાપર કચ્છ.

દયાપર,તા-૧૫ સપ્ટેમ્બર : જન્મ સમયે યોગ્ય વજન ધરાવતી બાળકી યોગ્ય આહાર ન મળતા કુપોષણનો ભોગ બની હતી. કચ્છ જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વધુ વેગ મળ્યો છે. જે સંદર્ભે ફેબ્રુઆરી માસથી કચ્છ જિલ્લામાં “પોષણ સંગમ કાર્યક્રમ” અંતર્ગત આંગણવાડી કાર્યકર તથા મુખ્યસેવિકાની નિષ્ઠા અને સતત પ્રયાસોના કારણે ગંભીર કુપોષિત બાળકે સામાન્ય અને સ્વસ્થ જીવન તરફ પગલા માંડ્યા છે.આ કાર્યક્રમ અંતર્ગત લખપત તાલુકાના દયાપર-૫ આંગણવાડી કેન્દ્રમાં આઈસીડીએસ યોજનાનો લાભ લેતી બાળકી આયેજા આમદભાઈ હજામના કિસ્સામાં આ વાત સાબિત થઈ છે. જન્મ સમયે 2.5 કિલોગ્રામ વજન ધરાવતી આ બાળકી સામાન્ય હતી, પરંતુ સતત ગૃહ મુલાકાત લેતા જણાઈ આવ્યું કે, પાવડરવાળું અને બહારનું દૂધ આપવામાં આવતું હોવાથી યોગ્ય પોષણ નહીં મળવાના કારણે બાળકીનું વજન સતત ઘટી રહ્યું હતું.સરકારશ્રીના પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને વર્કર બહેન ગીતાબેન સાપરિયા દ્વારા આયેજાના વાલીને સમજાવીને તેને તાત્કાલિક NRC (પોષણ પુનર્વસન કેન્દ્ર)માં દાખલ કરવામાં આવી, ત્યાં દાખલ થયા બાદ યોગ્ય સારવારથી બાળકીની સ્થિતિમાં સુધારો આવવા લાગ્યો. NRCમાંથી પરત ફર્યા બાદ પણ વર્કર બહેનની સતત ગૃહ મુલાકાત તેમજ દેખરેખ હેઠળ નિયમિતપણે “બાલશક્તિ”ના ઉપયોગથી બાળકીના આહારમાં સુધારો થયો.આમ, આંગણવાડી કાર્યકરની મહેનત અને આરોગ્યશાખાના માર્ગદર્શનથી આયેજાનું વજન સતત વધતું રહ્યું. તાજેતરમાં, સીડીપીઓશ્રી શિલ્પાબેન વાઘેલા તેમજ મુખ્યસેવિકાશ્રી વીમળાબેન ભોઈયા દ્વારા મુલાકાત લેવામાં આવી ત્યારે આયેજાનું વજન 4.900 કિલોગ્રામ નોંધાયું હતું. આ કિસ્સો “પોષણ સંગમ” કાર્યક્રમની સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને દર્શાવે છે કે, યોગ્ય માર્ગદર્શન અને સહયોગથી કુપોષણ પર ચોક્કસ વિજય મેળવી શકાય છે.

Back to top button
error: Content is protected !!