અમદાવાદમાં આંગણવાડી વર્કર-હેલ્પર સંમેલન: લઘુત્તમ વેતન સહિત નવ માંગણીઓનો ઉગ્ર અવાજ, ડિસેમ્બરમાં ઉપવાસ આંદોલન અને ભુખ હડતાલની ચેતવણી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત રાજ્યમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો લાંબા સમયથી લઘુત્તમ વેતન અને ન્યાયની માંગ સાથે લડી રહી છે. નામદાર હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં આંગણવાડી વર્કરને 24,800 રૂપિયા અને હેલ્પરને 20,800 રૂપિયા લઘુત્તમ વેતન ચૂકવવાનો આદેશ આપ્યા બાદ પણ રાજ્ય સરકાર તરફથી કોઈ નિર્ણય અથવા જાહેરાત ન થતાં અસંતોષ વધી રહ્યો છે. આ અસંતોષ વ્યક્ત કરવા માટે રવિવારે અમદાવાદના મેમ્કો સર્કલ પાસે આવેલા વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રાજ્યભરના 26 જિલ્લાઓમાંથી અનેક બહેનો એકત્રીત થઈ મોટી રેલી અને સંમેલન યોજાયું હતું.
સંમેલનમાં જણાવાયું કે હાઇકોર્ટનો આ ચુકાદો 11-4-2025 ના રોજની અસરથી લાગુ થવો જોઈએ, પરંતુ અનેક મહિના બાદ પણ ચુકાદાની અમલવારી થઈ નથી, જેને કારણે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ આર્થિક અન્યાય સામે ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે. સંમેલનમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી કે જો સરકાર તાત્કાલિક અમલવારીની જાહેરાત નહીં કરે તો 1 થી 10 ડિસેમ્બર દરમિયાન ઉપવાસ આંદોલન તથા એક હજાર બહેનોની ભુખ હડતાલ યોજાશે. જરૂર પડે તો ગાંધીનગરમાં ચક્કાજામનો પણ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
સંમેલનમાં હાઇકોર્ટના ચુકાદાની અમલવારી સહિત કુલ નવ મહત્વપૂર્ણ માંગણીઓ જાહેર કરવામાં આવી. વર્કરો અને હેલ્પરોના જણાવ્યા મુજબ, વર્ષોથી ન્યૂનતમ વેતન પણ ન મળવાથી આર્થિક શોષણ સહન કરવું પડી રહ્યું છે, જ્યારે તેઓ ગરીબ અને કુપોષિત બાળકો, ગર્ભવતી બહેનો અને જન આરોગ્ય માટે મહત્વની જવાબદારી નિભાવે છે.
કાર્યક્રમમાં આંગણવાડી વર્કર યુનિયનનાં અરૂણ મહેતા, સતિષ પરમાર, કૈલાસ રોહિત, આશા યુનિયનના મહામંત્રી અશોક સોમપુરા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રંજન સાંગાણી, મહામંત્રી સંગીતાબેન સહિતના હોદ્દેદારોએ સંબોધન કર્યું હતું. તેઓએ સરકારને હાઇકોર્ટના આદેશના માન અને માતૃ-બાળ આરોગ્ય માટે સેવા આપતી બહેનોને ન્યાય આપવા તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી હતી. સંમેલનમાં હાજર મહિલાઓએ પણ એકસૂરથી જણાવ્યું કે જો સરકાર હઠધર્મી વલણ અપનાવશે તો આગળ કાનૂની લડત અને આગવું આંદોલન ટાળવું મુશ્કેલ બનશે.
આ મહા સંમેલનમાં હજારો બહેનોની હાજરી એ દર્શાવ્યું કે હવે આંગણવાડી વર્કર અને હેલ્પરો પાછળ નથી હટવાના અને હક મળ્યા સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.











