Jasdan: જસદણ તાલુકાના મદાવા, દહીંસરા અને કમળાપુર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

તા.૨૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
“શાળા પ્રવેશોત્સવ બાળકોના શિક્ષણનો પાયો મજબૂત કરે છે” – સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા
ભૂલકાંઓને કુમકુમ લગાવી, મોં મીઠું કરાવી વાજતે ગાજતે પ્રવેશ અપાયો
Rajkot, Jasdan: સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનાં પ્રથમ દીને જસદણ તાલુકાની મદાવા પ્રાથમિક શાળા, દહીંસરાની પ્રાથમિક શાળા અને કમળાપુરની પ્રાથમિક તથા હાઇસ્કુલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ સહાયક માહિતી નિયામકશ્રી પારૂલબેન આડેસરાનાં અધ્યક્ષસ્થાને તથા મામલતદાર એન.સી. વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ભૂલકાંઓને કુમકુમ લગાવી, મોં મીઠું કરાવી વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવાયો હતો.
શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અંતર્ગત મદાવા પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં ૧૬ કુમાર અને ૧૪ કન્યા મળી કુલ ૩૦ વિદ્યાર્થીઓ, આંગણવાડીમાં ૨૦ છાત્રો તથા ધો.૧ માં ૧૮ કુમાર અને ૧૩ કન્યા મળી કુલ ૩૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ તકે મામલતદારશ્રીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં શાળાની કામગીરી અને સમસ્યાઓની સમીક્ષા કરાઈ હતી. તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો આરંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરાયો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોનુ પુસ્તક આપીને અભિવાદન કરાયું હતું. આચાર્યશ્રી અશોકભાઈ હરિયાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન જેવા વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં.
દહીંસરા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં આચાર્યશ્રી વિપુલભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યું. આ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૨૩ કુમાર અને ૨૦ કન્યા એમ મળી કુલ ૪૩ વિદ્યાર્થીઓ, આંગણવાડીમાં ૧૭ કુમાર ૧૩ કન્યા મળી કુલ ૩૦ છાત્રો તથા ધો.૧ માં ૫ વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ બેટી બચાવો બેટી પઢાઓ, વૃક્ષારોપણ જેવા વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોને દફતરની કીટ આપનાર દાતાશ્રી મહેરુભાઈ ધાધલનું સન્માન કરાયું હતું. અને અંતમાં મહાનુભાવોએ સ્માર્ટ ક્લાસની મુલાકાત લીધી અને બાદમાં વૃક્ષારોપણ કર્યું હતું.
કમળાપુરની હાઇસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી થઇ હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક/ વિદ્યાર્થી દ્વારા કર્યું હતું. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય અને સ્વચ્છતા પર વકતવ્ય આપ્યું હતું. શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં ૩૦ કુમાર ૧૭ કન્યા કુલ ૪૭ બાળકો, ધોરણ ૧માં કુમાર ૩ અને કન્યા ૨ કુલ ૫ બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. શાળામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક અર્પણ કરી સન્માન કરાયું હતું.
આ સાથે સહાયક માહિતી નિયામકશ્રી પારૂલબેન આડેસરાએ પણ બાળકોને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે જણાવ્યું કે, પાયો પાકો બનવો જોઈએ અને બાળકોએ અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. પહેલા શાળામાં પ્રવેશ લેતા, ત્યારે બાળકો રડતા રડતા જતા હતા પણ હવે બાળકો હસતા હસતા આવે છે. બાળકોના અહીંથી અભ્યાસની શરૂઆત થઈ રહી છે. બાળકો ભણશે તો આગળ વધશે. અભ્યાસથી ભવિષ્યનું ઘડતર થઈ શકે છે.
મામલતદાર એન.સી. વ્યાસે પ્રવેશપાત્ર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આજે મે આ બાળકોનું સન્માન કર્યું ત્યારે મારા અભ્યાસ સમયે મે પણ આવી રીતે ઈનામ મેળવેલા છે, તેની યાદ તાજી થઈ છે અને આજે મે તમને ઈનામ આપ્યા ત્યારે જે બાળકોના ચેહરા પર ખુશી જોઈ જેનાથી મને ખૂબ આનંદ થયો છે.
ઉપરાંત, મદાવા પ્રા. શાળા ખાતે શાળા આપતી વ્યવસ્થાપન અને શાળા સિદ્ધિ નામની બે પુસ્તકનું વિમોચન મામલતદાર એન.સી. વ્યાસ અને સહાયક માહિતી નિયામકશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સી. આર. સી. કો-ઓર્ડીનેટરશ્રી પરેશભાઈ રામાણી, બી.આર.સી કો-ઓર્ડીનેટર – જસદણ શ્રી સંદીપભાઈ મહેતા, દહિસરા ગામના સરપંચ અંબાબેન રાઘવભાઈ સરસણીયા, આચાર્યશ્રી ડો. હરેશભાઈ મહેતા, પ્રશાંતભાઈ જાની, રમેશભાઈ સાકરીયા, જશવંતભાઈ ભાટિયા, જસદણ તાલુકા ભાજપ મહામંત્રીશ્રી કલ્પેશભાઈ વાવડિયા, પૂર્વ સરપંચ ધીરુભાઈ રામાણી, જસદણ તાલુકા પંચાયત સભ્ય ભીખાભાઈ બોઘરા, સક્રિય કાર્યકરશ્રી મુકેશભાઈ દુધરેજીયા, લાયઝન અધિકારીશ્રી સંદીપભાઇ મહેતા, તલાટી મંત્રીશ્રીઓ અને વિવિધ શાખાઓના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.







