Rajkot: વરસાદની પ્રતિકુળ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રની સજ્જતા જામકંડોરણા અને ઉપલેટા પંથક ખાતે ભારે વરસાદમાં ફસાયેલા છ સ્થાનિકોનું રેસ્ક્યુ કરાયું

તા.૨૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની પરિસ્થિતિ સામે લડવા આવશ્યક પગલાં લઇ રહ્યું છે. કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વરસાદી આફત દરમિયાન સતત રાહત-બચાવની કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે.
જે અન્વયે ગત તા. ૨૭ના રોજ જામકંડોરણા તાલુકાના બોરિયા ગામની વાડીમાં ફસાયેલા ૧ પુરુષ, ૧ મહિલા અને ૨ બાળકો મળી કુલ ૪ શ્રમજીવીઓને ગોંડલ ફાયર ટીમે પોલીસ, ગ્રામ પંચાયત અને રેવન્યુની ટીમના સહયોગથી રેસ્ક્યુ કર્યા હતા. આ ઉપરાંત, ગત તા. ૨૮ના રોજ ઉપલેટા તાલુકાના નીલખા ગામ ખાતે એસ.ડી.આર.એફ. (સ્ટેટ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમે વરસાદી પાણીમાં ફસાયેલા એક મજૂરને બહાર કાઢ્યા હતા. તેમજ ગણોદ ગામ ખાતે એસ.ડી.આર.એફની ટીમે સર્પદંશથી ઘાયલ શ્રી મીનલબેનને સારવાર આપીને સલામતસ્થળે ખસેડ્યા હતા.
આથી, જામકંડોરણા અને ઉપલેટા પંથકમાં ભારે વરસાદમાં ફસાયેલા કુલ ૬ સ્થાનિકોને બચાવાયા હતા. આમ, વરસાદની પ્રતિકુળ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જતા સાથે સરાહનીય કામગીરી કરી રહ્યું છે, તેમ ધોરાજી નાયબ કલેક્ટરશ્રી જયેશભાઈ લીખીયાની યાદીમાં જણાવાયું છે.


