
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના એકમાત્ર અને વિશ્વવિખ્યાત ગિરિમથક સાપુતારા ખાતેથી સ્થાનિક રહીશો તેમજ પ્રવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરી ખાતે લાંબા સમયથી ખાલી પડેલી ચીફ ઓફિસરની જગ્યા પર અંતે કાયમી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણયથી વિસ્તારના અટકેલા વિકાસકામોને ગતિ મળશે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.મળતી માહિતી મુજબ, સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરીના અગાઉના કાયમી ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની બદલી થયા બાદ આ પદ લગભગ બે વર્ષ જેટલા લાંબા સમયથી ખાલી પડ્યું હતું. કાયમી વડાની ગેરહાજરીના કારણે ગિરિમથકના સ્થાનિક વહીવટી પ્રશ્નો, સફાઈ અને માળખાકીય સુવિધાઓને લગતી કામગીરી પર અસર પડી રહી હતી.જોકે, હવે આ જગ્યા પર કલ્પના આર. ચૌધરીની કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ અગાઉ વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા હતા, ત્યાંથી બદલી થઈને તેમણે સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરીનો પદભાર સંભાળી લીધો છે.સાપુતારા ખાતે કાયમી ચીફ ઓફિસર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ સ્થાનિક વેપારીઓ, રહીશો અને પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. અનુભવી અધિકારીના આગમનથી સાપુતારાના બાકી પડેલા પ્રવાસન વિકાસના પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થશે, સાથે જ ગિરિમથકની સુંદરતા અને સુવિધાઓમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..





