આણંદમાં ઘઉંના 34 વેપારીઓના સ્ટોકની ચકાસણી
આણંદમાં ઘઉંના 34 વેપારીઓના સ્ટોકની ચકાસણી
તાહિર મેમણ – આણંદ – 25/03/2025 – ભારત સરકારે સંગ્રહખોરી રોકવા માટે ઘઉં પર સ્ટોક મર્યાદા લાગુ કરી છે. આ મર્યાદા હેઠળ હોલસેલર્સને 250 મેટ્રિક ટન અને રિટેલર્સને દરેક આઉટલેટ માટે 4 મેટ્રિક ટનની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 8 ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ જિલ્લાના વિવિધ વેપારીઓની તપાસણી હાથ ધરી હતી. જિલ્લા કક્ષાની ટીમે કરમસદના એવન્યુ સુપર માર્ટ અને ડી-માર્ટની તપાસણી કરી હતી. તપાસણીમાં ઓનલાઈન બતાવેલ સ્ટોક અને ફિઝિકલ સ્ટોક વચ્ચે કોઈ તફાવત જોવા મળ્યો નથી. તાલુકા કક્ષાની ટીમોએ કુલ 34 વેપારીઓની તપાસણી કરી. જેમાં હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સનો સમાવેશ થાય છે.
જિલ્લા પુરવઠા અધિકારી જે.એસ. પટેલે જણાવ્યું કે, તમામ વેપારીઓએ ભારત સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટર્ડ વેપારીઓએ દર શુક્રવારે તેમના સ્ટોકની વિગતો અપડેટ કરવાની રહેશે.