ARAVALLIDHANSURAMODASA

અરવલ્લી : પ્રેમસંબંધની અદાવતમાં યુવકના ગલ્લાને પેટ્રોલ છાંટી સળગાવ્યાનો આક્ષેપ, ચાર સામે ગુનો નોંધાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : પ્રેમસંબંધની અદાવતમાં યુવકના ગલ્લાને પેટ્રોલ છાંટી સળગાવ્યાનો આક્ષેપ, ચાર સામે ગુનો નોંધાયો

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં પ્રેમસંબંધની અદાવતને લઈને હિંસક બનાવ સામે આવ્યો છે. જેમાં યુવક પોતાની પ્રેમિકા સાથે ઘર છોડીને મૈત્રી કરાર કરી અન્યત્ર રહેવા જતાં યુવતીના પરિવારજનોએ યુવકના ભાઈ પર હુમલો કરી તેના પાન-મસાલાના ગલ્લાને પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતાં અંદાજે રૂ.1.50 લાખનું નુકસાન થયું હોવાનો આક્ષેપ સાથે ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

બુટાલ ગામના 22 વર્ષીય વિશાલ દિલીપભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગામના બસ સ્ટેન્ડ પાસે તેઓ “ટાઈગર મેલડી” નામનો પાન-મસાલા અને ઠંડા પીણાનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ફરિયાદીનો ભાઈ ચિરાગભાઈ અને ગામના દિનેશભાઈ જીવણભાઈ નાડીયાની પુત્રી રોનકબેન વચ્ચે પ્રેમસંબંધ હોવાથી બંને આશરે 20 દિવસ અગાઉ ઘર છોડીને જતા રહ્યા હતા અને મૈત્રી કરાર પણ કર્યો હતો.આ ઘટનાની અદાવત રાખી શુક્રવારે સાંજે આશરે સાત વાગ્યે દિનેશભાઈ જીવણભાઈ નાડીયા, પ્રવિણભાઈ જીવણભાઈ નાડીયા, મુકેશભાઈ જીવણભાઈ નાડીયા અને નગીનભાઈ જીવણભાઈ નાડીયા લાકડીઓ સાથે બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા. ફરિયાદી વિશાલ પરમારના જણાવ્યા મુજબ, ચારેય શખ્સોએ ગાળો બોલી ચિરાગભાઈ ક્યાં છુપાયા છે તે અંગે પૂછપરછ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તેમની સાથે ઝપાઝપી કરી મારમાર્યો હતો.તે દરમિયાન સાયકલ પર લાકડા લઈને આવતા રમણભાઈ છગનભાઈ ડાભીને પણ રોકી સાયકલ પરથી નીચે પાડી લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. ઝઘડામાં વચ્ચે પડતા ફરિયાદીના કાકાના પુત્ર નરેન્દ્રભાઈ લાલાભાઈ પરમારને પણ આરોપીઓએ લાકડીઓ વડે માર મારી ઇજાગ્રસ્ત કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.બાદમાં આરોપીઓ પૈકી દિનેશભાઈ નાડીયા હાથમાં રહેલી પેટ્રોલ ભરેલી બોટલ લઈને ફરિયાદીના બંધ ગલ્લા પાસે પહોંચ્યા હતા અને ગલ્લાના નીચેના ભાગે પેટ્રોલ છાંટી દિવાસળી સળગાવી આગ લગાવી દીધી હતી. આગમાં લોખંડના પતરાનો ગલ્લો, લાકડાનો શેડ, પાન-મસાલા, નાસ્તાના પડીકા, ઠંડા પીણાં તેમજ ડીપ ફ્રીઝ સહિતનો સામાન બળી જતાં અંદાજે રૂ.1.50 લાખનું નુકસાન થયું હતું.બનાવ અંગે 112 ઈમરજન્સી સેવા તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિશાલ પરમારે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!