
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ– કુણોલ રોડ પર કારમાં આગ, ચાલકનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી – મેઘરજ તેમજ ઈસરી પોલીસ પહોંચી
અરવલ્લી જિલ્લામાં મેઘરજ–કુણોલ રોડ ઉપર આગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુણોલ નર્સરી નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.

માહિતી મુજબ, કારમાં અચાનક આગ લાગતા જ આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી કાર બળી ને ખાખ થઈ ગઈ હતી. જોકે, કારમાં સવાર ચાલક સહિત અન્ય લોકોએ સમયસૂચકતા દાખવી કાચ તોડી બહાર નીકળતાં મોટો અકસ્માત ટળી ગયો હતો. ઘટનામાં તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક મેઘરજના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સાથે જ ઈસરી–મેઘરજ પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તારણ મુજબ કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.





