Rajkot: ડૉ.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાજકોટમાં સામાજિક સમરસતા કાર્યક્રમો અને મહા રક્તદાન કેમ્પ યોજાયો

તા.૧૪/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારતના બંધારણના શિલ્પી અને મહાન વિચારક ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ દ્વારા વિવિધ સ્થળો ઉપર સામાજિક સમરસતાના કાર્યક્રમ અને રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ તથા બોધિસત્વ આંબેડકર બૉદ્ધવિહાર – કણકોટ ખાતે મહા રક્તદાન કેમ્પમાં હાજરી આપવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજમાં સમાનતા, ભાઈચારું અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ વિધિધ કાર્યક્રમોમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ.રાજકોટના આગેવાનો અને કાર્યકરોએ એકત્રિત થઈ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના દર્શાવેલ માર્ગ પર ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ રાજકોટ વતી શ્રી સંજયભાઈ હુંબલ, શ્રી મનીષભાઈ માકડીયા, શ્રી હિરેનભાઈ વ્યાસ, શ્રી ઉમેશભાઈ પેથાણી, શ્રી નરેન્દ્રભાઈ ગોસ્વામી, શ્રી રામલાલ શિંગાળા, શ્રી અરવિંદસિંહ ઝાલા, શ્રી જનકભાઈ સાંડપા, શ્રી ભરતભાઈ ચૌહાણ, શ્રી લક્ષ્મીકાંતભાઈ સામઢીયા તથા શ્રી સાગરભાઈ પોપટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ વિવિધ કાર્યક્રમના ભાગરૂપે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં પણ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાન દ્વારા માનવસેવાનો સંદેશ આપતા અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. મહાસંઘ દ્વારા આ પ્રકારના સેવાકાર્યોને સતત પ્રોત્સાહન આપવાનો નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉત્કર્ષ મંડળ પ્રમુખ શ્રી હર્ષદભાઈ પારઘીએ જણાવ્યું હતું કે ડૉ. આંબેડકરજીના વિચારોથી પ્રેરણા લઈ સમાજમાં સમરસતા, શિક્ષણ અને સમાન અધિકાર માટે સતત કાર્ય કરવું એ જ તેમની સાચી શ્રદ્ધાંજલિ છે તેમજ આ કાર્યક્રમ દ્વારા સૌએ સામાજિક એકતા અને સેવાભાવનો સંદેશ આપ્યો હતો.




