
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, સુકાવા લાગ્યા ખરીફ પાક, પાકને બચાવવા ખેતરોમાં ફુવારા લગાવામાં આવ્યા – કાગડોળે રાહ જોતો ખેડૂત.!!!

અરવલ્લી જિલ્લામાં ખરીફ સીઝન દરમિયાન છેલ્લા દસ દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોંઘા ભાવે બિયારણ ખરીદી મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકનું વાવેતર કરનાર ખેડૂતો હવે પાકને બચાવવા માટે ચિંતિત બન્યા છે. વરસાદના અભાવે ખેતરોમાં ઉભેલો પાક સુકાવા લાગ્યો છે અને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
જિલ્લાના અનેક ખેડૂતોને વહેલા વરસાદની આશાએ વાવેતર કર્યું હતું. પરંતુ સમયસર વરસાદ ન થતાં સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો ફુવારા અને ડ્રિપ સિસ્ટમ દ્વારા પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આકાશી ખેતી પર આધારિત ખેડૂતો માટે સ્થિતિ વધુ ગંભીર બની છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળીનું બિયારણ આશરે ₹3,500 પ્રતિ 20 કિલો અને સોયાબીનનું બિયારણ આશરે ₹2,400 પ્રતિ 30 કિલોના ભાવે ખરીદવામાં આવ્યું છે. એક વીઘા દીઠ અંદાજે ₹20 થી ₹25 હજારનો ખર્ચ કરીને વાવેતર કરવામાં આવ્યું છે. જો આગામી 10 દિવસમાં સારો વરસાદ નહીં પડે તો અનેક ખેડૂતોને ફરીથી વાવેતર કરવાની ફરજ પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.મેઘરજ તાલુકા સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો હજુ પણ ખાલી હોવાથી પાણીની સમસ્યા પણ ઊભી થઈ રહી છે. ખેડૂતો તળાવોમાં નર્મદાનું પાણી છોડવાની તેમજ પાકને થયેલા નુકસાન અંગે સરકાર તરફથી સહાય અને મગફળીના ટેકાના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે.વરસાદની અનિશ્ચિતતાના કારણે અરવલ્લીના ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે અને હવે સૌની નજર આગામી વરસાદ પર ટકેલી છે.





