
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – મકાઈના ખેતરમાં પક્ષીઓ ઉડાડતી મહિલા પર હુમલો, ત્રણ સામે મેઘરજ પોલીસમાં ફરિયાદ

અરવલ્લી, મેઘરજ: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા-અજુહિરોલા ગામે ખેતરમાં મકાઈના પાકને બચાવવા પક્ષીઓ ઉડાડતી મહિલા સાથે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને લઈને મહિલાએ ત્રણ વ્યક્તિઓ સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
ફરિયાદ મુજબ, ગત 21 જૂનના રોજ સવારે ફરિયાદી હંસાબેન પોતાના ખેતરમાં મકાઈના પાકને કબૂતર અને મોર જેવા પક્ષીઓથી બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. તે દરમિયાન ગામના રમેશભાઈ કાળુભાઈ ડામોર મોટરસાયકલ પર ત્યાંથી પસાર થતાં તેમણે મહિલા સાથે બોલાચાલી શરૂ કરી હતી. મહિલાએ પોતે પક્ષીઓને ઉડાડવા માટે બૂમો પાડતી હોવાનું જણાવતાં રમેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા.આક્ષેપ મુજબ રમેશભાઈએ મહિલાને ગાળાગાળી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ સુરેશભાઈ રમેશભાઈ ડામોર અને કંકુબેન રમેશભાઈ ડામોર પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્રણેયે મળીને મહિલાને માર માર્યો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ઘટનાના બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સમાધાન ન થતાં આખરે 28 જૂનના રોજ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




