
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
કેન્સરના દર્દીઓના હિતમાં મુખ્યમંત્રીના સંવેદનશીલ નિર્ણયને અરવલ્લીના નાગરિકનો આવકાર
અરવલ્લીના જાગૃત નાગરિકની અરજી અંગે ગુજરાત સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય
પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરના દર્દીઓને આપવામાં આવતી કીમોથેરાપીના ડોઝની મર્યાદામાં વધારો કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય દર્દીઓ માટે રાહતરૂપ સાબિત થયો છે. આ નિર્ણય બદલ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રહેવાસી પીયુષભાઈ પટેલએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

પિયુષભાઈ પટેલે જણાવ્યું કે તેમના માતાની કેન્સરની સારવાર દરમિયાન આયુષ્માન ભારત યોજના હેઠળ તેમને કીમોથેરાપીના ૧૩ ડોઝ મળવા પાત્ર હતા પરંતુ તેમને ૧૮ ડોઝની જરૂરિયાત હતી. આ મર્યાદાને કારણે અનેક દર્દીઓને સારવાર અધૂરી રહેવાની અથવા વધારાનો આર્થિક બોજ સહન કરવાની સ્થિતિ સર્જાતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખી તેમણે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને કેન્સરના દર્દીઓને જરૂરીયાત મુજબ વધુ કીમોથેરાપી ડોઝનો લાભ મળે તેવી માંગણી કરી હતી.રાજ્ય સરકારે દર્દીઓના હિતને પ્રાથમિકતા આપતાં આ રજૂઆતને સંવેદનશીલતા પૂર્વક ધ્યાનમાં લઈ આયુષ્માન ભારત યોજના હેઠળ કીમોથેરાપીના ડોઝની મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કેન્સરના દર્દીઓને વધુ સરળતાથી અને સતત સારવાર મળી શકશે તેમજ તેમના પરિવાર પરનો આર્થિક બોજ પણ ઘટશે.આ અંગે જણાવતા તેમના ડો. જીગીશ ગોસાઈએ જણાવ્યું કે કેન્સરની સારવાર દરમિયાન આયુષ્માન ભારત યોજના હેઠળ કીમોથેરાપીના ડોઝની મર્યાદાને કારણે અનેક દર્દીઓને સારવાર અધૂરી રહેવાની અથવા વધારાનો આર્થિક બોજ સહન કરવાની સ્થિતિ સર્જાતી હતી. સરકારનો આ નિર્ણય માત્ર એક પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના કેન્સરના હજારો દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. તેમણે દર્દીકેન્દ્રિત અભિગમ અપનાવવા બદલ મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે




