
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા નગરપાલિકામાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોના મતદારો માટે ‘ચાર મત’ પદ્ધતિ અંગે જાગૃતિ કેમ્પ યોજવા કોંગ્રેસ ની માંગ

મોડાસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત દ્વારા મોડાસા નગરપાલિકા વિસ્તારમાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોના મતદારો માટે ખાસ મતદાન જાગૃતિ કેમ્પ યોજવાની માંગ કરી છે.નવા સીમાંકન બાદ સબલપુર, ખલીકપુર અને સાયરા જેવા ગ્રામ પંચાયત હેઠળના વિસ્તારોનો સમાવેશ હવે મોડાસા નગરપાલિકામાં કરવામાં આવ્યો છે. અગાઉ આ વિસ્તારોના મતદારો પંચાયતની ચૂંટણીમાં માત્ર એક જ મત આપવાની પદ્ધતિથી પરિચિત હતા. પરંતુ નગરપાલિકાની ચૂંટણીમાં ‘પેનલ સિસ્ટમ’ મુજબ દરેક મતદારે એક જ વોર્ડના ચાર ઉમેદવારોને કુલ ચાર મત આપવાના હોય છે.અરૂણભાઇ પટેલે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના મતદારો આ નવી પદ્ધતિથી અજાણ હોઈ શકે છે. જો તેમને યોગ્ય સમજણ આપવામાં નહીં આવે, તો મતદાન વખતે મૂંઝવણ ઉભી થવાની અને મતો રદ થવાની પૂરેપૂરી શક્યતા છે. લોકશાહીના અધિકારનો સાચો ઉપયોગ થાય તે વહીવટી તંત્રની જવાબદારી છે.વહીવટી તંત્ર દ્વારા આ નવા ભળેલા વિસ્તારોમાં ઈવીએમ (EVM) મશીનના નિદર્શન સાથે ખાસ ‘વોટર અવેરનેસ કેમ્પ’ યોજવામાં આવે. જેથી મતદારો ચાર મત કઈ રીતે આપવા તેની પ્રત્યક્ષ જાણકારી મેળવી શકે અને લોકશાહીના આ પર્વમાં કોઈ પણ મૂંઝવણ વગર ભાગ લઈ શકે.





