
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – માલપુર રોડ પર આવેલ રોકડીયા હનુમાન મંદિર પર શરૂ કરાયેલી ડીમોલેશન પ્રક્રિયા મામલો – રાત્રે મંદિર પાસે ટોળા ઉમટ્યા હતા ,ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ

મોડાસા શહેરના માલપુર ચાર રસ્તા નજીક આવેલ રોકડીયા હનુમાન મંદિર પર શરૂ કરાયેલી ડીમોલેશન પ્રક્રિયા મુદ્દે મોડી રાત્રે મંદિર પાસે ટોળા ઉમટ્યા હતા. વર્ષોથી સ્થાનિક લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલા આ મંદિર પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ધાર્મિક સંગઠનોના કાર્યકરો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા.મંદિર પર શરૂ કરાયેલ ડીમોલેશન કાર્યવાહી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે લોકો એકઠા થતા પરિસ્થિતિ ઉદ્ભવી હતી .સ્થિતિને કાબૂમાં લેવા મોડાસા ટાઉન પોલીસ સહિત પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો.મામલે ડિવાયએસપી એ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે ઉપસ્થિત લોકોને સમજાવટ આપી સ્થિતિ શાંત કરી હતી અને સ્થળ પર એકત્રિત થયેલા ટોળાને વિખેરી નાખ્યું હતું. હાલ પોલીસ બંદોબસ્ત સાથે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું હતું




