
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ભૂલથી થયેલા ફોનની અદાવતમાં યુવક પર હુમલો, ઝઘડાનું કારણ પૂછવા ગયેલા કાકાને ચપ્પુ વાગતાં ઇજા પહોંચી – એક સામે ફરિયાદ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈટવા ગામમાં એક મહિના અગાઉ ભૂલથી થયેલા ફોનની અદાવત રાખી યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. હુમલામાં યુવકને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો, જ્યારે ઝઘડાનું કારણ પૂછવા ગયેલા તેના કાકાને ચપ્પુ વાગતાં ઇજા પહોંચી હતી. સમગ્ર મામલે ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ઈટવા ગામના અમૃતભાઈ ધુળાભાઈ કટારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 20 મેના રોજ રાત્રિના સમયે તેમના મોબાઈલ પરથી ભૂલથી ગામના પ્રવિણભાઈ શાંતિલાલ ડામોરની પત્નિના ફોન પર કોલ લાગી ગયો હતો. બીજા દિવસે સમાજના આગેવાનોની હાજરીમાં ગેરસમજ દૂર કરી સમાધાન કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ પણ પ્રવિણભાઈ સાથે તકરાર થઈ હતી, પરંતુ પરિવારજનોએ સામાજિક રીતે મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો.તા. 13 જૂનના રોજ સવારે અમૃતભાઈ ગામમાં રણછોડભાઈ કકવાભાઈ તરારના ઘરે સેન્ટિંગ ખોલવાનું કામ કરી રહ્યા હતા ત્યારે પ્રવિણભાઈ શાંતિલાલ ડામોર અને તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સો ત્યાં પહોંચી ગયા હતા. ફરિયાદ મુજબ, પ્રવિણભાઈ ઉશ્કેરાઈ જઈ અમૃતભાઈનો ફેટ પકડી તેમને નીચે પાડી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. અન્ય બે શખ્સોએ પણ હુમલામાં જોડાઈ માર માર્યો હતો. બૂમાબૂમ થતાં રણછોડભાઈ તરાર અને તેમના પુત્ર વચ્ચે પડતાં ત્રણેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. જતાં જતાં તેઓએ ફરી એકલા મળશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
થોડા સમય બાદ અમૃતભાઈના ભાઈ ગોવિંદભાઈ અને કાકા જયંતીભાઈ દિતાભાઈ કટારા ત્યાં પહોંચ્યા હતા. તે દરમિયાન નજીકના રસ્તા પરથી પ્રવિણભાઈ પોતાની બોલેરો કાર લઈને પસાર થતાં જયંતીભાઈએ અગાઉ થયેલા ઝઘડા બાબતે પૂછવા માટે કાર રોકાવી હતી. આ દરમિયાન પ્રવિણભાઈ ઉશ્કેરાઈ જઈ જયંતીભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને તેમના હાથમાં રહેલું ચપ્પુ જયંતીભાઈના જમણા હાથની આંગળી પર વાગતાં તેમને ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્ત અમૃતભાઈ અને જયંતીભાઈને સારવાર માટે ઇસરી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બાદમાં અમૃતભાઈ કટારાએ ઇસરી પોલીસ સ્ટેશનમાં પ્રવિણભાઈ શાંતિલાલ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





