
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મેઘરજમાં સત્યમ કોમ્પ્લેક્સ પાસે આવેલી પિતૃ હોટલમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો, માલિક સામે ગુનો નોંધાયો
અરવલ્લી જિલ્લાના મેઘરજ ટાઉન વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી સત્યમ કોમ્પ્લેક્સ પાસે આવેલી પિતૃ છાયા હોટલમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે હોટલના માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળી હતી કે સત્યમ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી પિતૃ છાયા હોટલમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનો વેપાર કરવામાં આવી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં હોટલ પર દરોડો પાડ્યો હતો. સ્થળ પર હાજર વ્યક્તિએ પોતાનું નામ કાન્તીલાલ પ્રભુદાસ પટેલ (ઉ.વ.45), મૂળ વતન બોડામલી, તાલુકો સીમલવાડા, જિલ્લો ડુંગરપુર (રાજસ્થાન) અને હાલ પિતૃ છાયા હોટલના માલિક તરીકે ઓળખ આપી હતી.
પોલીસે હોટલની તપાસ કરતા ફ્રિજમાંથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 500 એમએલના 7 ટીન તથા હોટલના એક ખૂણામાં રાખેલી થેલીમાંથી રાજસ્થાન બનાવટના રોયલ સ્ટેગ વ્હિસ્કીના 180 એમએલના 4 ક્વાર્ટર મળી આવ્યા હતા. કુલ 11 નંગ દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.2,540 હોવાનું સામે આવ્યું હતું.પોલીસે એફએસએલ તપાસ માટે એક-એક બોટલ અને બીયરનું સેમ્પલ અલગ કરીને મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર કાર્યવાહી બાદ કાન્તીલાલ પ્રભુદાસ પટેલ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





