
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજનો વેપારી ડિજિટલ અરેસ્ટના કૌભાંડમાં ફસાતા બચ્યો, વોરંટ કેન્સલ કરાવવાના નામે રૂ.5 લાખની માંગણી
અરવલ્લી : મેઘરજ ખાતે સાડી તેમજ પેન્ટ-શર્ટના વેપારીને કથિત પોલીસ અધિકારીના નામે ફોન કરી ડિજિટલ અરેસ્ટના કૌભાંડમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે વેપારીને શંકા જતા તેણે તાત્કાલિક સાયબરમાં ફરજ બજાવતા સંજયભાઈનો સંપર્ક કરતાં તેમની સમયસૂચકતા અને વેપારીની સાવચેતીના કારણે તે છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, વેપારીને એક મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ પોતે પોલીસ હોવાનું જણાવી વેપારીને ધમકાવવાનું શરૂ કર્યું હતું. મહિલાએ વેપારીને જણાવ્યું હતું કે, “તમારા નામે જે નંબર ચાલુ છે તે ડુપ્લીકેટ નંબર લેવામાં આવ્યો છે અને તેના નામે વોરંટ ઈશ્યૂ થયું છે.” આ વાત કહી વેપારીને ભયભીત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ વોટ્સએપ કોલ મારફતે અન્ય એક શખ્સને પણ પોલીસ તરીકે ઓળખાવી વેપારી સાથે વાત કરાવવામાં આવી હતી.સમગ્ર વાતચીત દરમિયાન વેપારી પર દબાણ ઊભું કરી તેને વોરંટ અંગે ડરાવવામાં આવ્યો હતો. બાદમાં વોરંટ કેન્સલ કરાવવા માટે સેટિંગ કરાવી આપવાના નામે વેપારી પાસેથી રૂ.5 લાખની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જોકે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વેપારીને શંકા જતા તેણે કોઈ રકમ ચૂકવ્યા વગર સાયબર ટીમના કર્મચારી સંજયભાઈ નો સંપર્ક કર્યો હતો અને વેપારીને જરૂરી માર્ગદર્શન આપતાં સમગ્ર મામલો ડિજિટલ અરેસ્ટના કૌભાંડનો પ્રયાસ હોવાનું સ્પષ્ટ થયું હતું.
સાયબર ઠગો દ્વારા પોલીસ, CBI, કોર્ટ કે અન્ય સરકારી એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપી લોકોને ડરાવી-ધમકાવી નાણાં પડાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં પણ વેપારીની સાવચેતી અને સમયસર સાયબર ટીમના સંજયભાઈનો સંપર્ક કરવાના કારણે મોટી રકમની છેતરપિંડી થતાં અટકી હતી.
આ ઘટનાએ ફરી એકવાર ચેતવણી આપી છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પોલીસ કે અન્ય સરકારી અધિકારી તરીકે ફોન કરી વોરંટ, ગુનો કે ધરપકડની ધમકી આપવામાં આવે તો ગભરાયા વગર સત્તાવાર માધ્યમથી તેની ખરાઈ કરવી અને કોઈપણ સંજોગોમાં નાણાં ટ્રાન્સફર ન કરવા.




