
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ભુવાલ ગામે ખેડૂતના ખેતરમાં લાગેલી આગથી મોટું નુકસાન સર્જાયું છે નીલગીરીના ખેતરમાં અચાનક આગ લાગી

ભુવાલ ગામમાં એક ખેડૂતના ખેતરમાં લાગેલી આગથી મોટું નુકસાન સર્જાયું છે. ગામની સીમ વિસ્તારમાં આવેલા નીલગીરીના ખેતરમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ખેતરમાં સુકાં પાન અને ગરમીના માહોલને કારણે આગ ઝડપથી ફેલાઈ જતા થોડા જ સમયમાં મોટા વિસ્તારમાં પ્રસરી ગઈ હતી.
માહિતી મુજબ ખેડૂતે અંદાજે 5 વિઘા જમીનમાં નીલગીરીની ખેતી કરી હતી. આગની ઘટનામાં અંદાજિત 5000 જેટલા નીલગીરીના વૃક્ષો બળી જતા ભારે નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે આ ઘટનામાં 4 લાખ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. વૃક્ષો સંપૂર્ણ રીતે સળગી જતા ખેડૂતની મહેનત પાણીમાં ગઈ હોવાની લાગણી પરિવારજનોએ વ્યક્ત કરી હતી.આગ લાગતાં ખેડૂતે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. સાથે જ ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિકોની મદદથી આગ વધુ ફેલાય નહીં તે માટે પાણી અને અન્ય સાધનો વડે કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, જેના કારણે નજીકના અન્ય ખેતરો બચી ગયા હતા.હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. શોર્ટ સર્કિટ, બેદરકારી કે અન્ય કોઈ કારણ હોઈ શકે તે દિશામાં ચર્ચા ચાલી રહી છે. ઘટનાને લઈને ખેડૂત વર્ગમાં ચિંતા વ્યાપી છે અને નુકસાનની સહાય માટે સરકાર સમક્ષ માંગ ઉઠી રહી છે.





