
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – 14 વર્ષથી નવા મકાનની રાહમાં ઇસરી પોલીસ સ્ટેશન, 48 સ્ટાફની મહેકમ , ચાર રૂમમાં કામગીરી,પોલીસ ક્વાર્ટર્સમાં હાલ પોલીસ સ્ટેશન કાર્યરત..!!!

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન સરહદે આવેલા ઇસરી પોલીસ સ્ટેશનનો દરજ્જો પ્રાપ્ત થયાના 14 વર્ષ બાદ પણ પોતાનું નવીન મકાન મળ્યું નથી. વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ પોલીસ સ્ટેશન માત્ર ચાર રૂમના પોલીસ ક્વાર્ટર્સમાં કાર્યરત હોવાથી અનેક સવાલો ઊભા થયા છે.વર્ષ 2011માં ઇસરી પોલીસ આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. હાલ આ પોલીસ સ્ટેશન હેઠળ 70 થી વધુ ગામો આવે છે. એક પી.આઈ, સહિત 48 જેટલા સ્ટાફની મંજૂર મહેકમ હોવા છતાં પોલીસ સ્ટેશનના નવીન મકાનની હજુ પણ અપૂરતી સુવિધાઓ વચ્ચે કામગીરી કરી રહ્યું છે.ઇસરી ગ્રામ પંચાયતે પોલીસ સ્ટેશનના નવા મકાન માટે બે વખત જમીન ફાળવી હોવા છતાં આજદિન સુધી મકાનનું નિર્માણ શરૂ થયું નથી. ગામના જાગૃત નાગરિકોએ લોકઅદાલતથી લઈને જિલ્લા કક્ષાએ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી.અગાઉ જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ અધિકારીઓની મુલાકાત દરમિયાન પણ નવા પોલીસ સ્ટેશનના મકાન અંગે રજૂઆત કરવામાં આવી હતી. છતાં વર્ષો વીતી ગયા હોવા છતાં ઇસરી પોલીસ સ્ટેશન નવા મકાનથી વંચિત રહ્યું છે.સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, નવા પોલીસ સ્ટેશન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તેની વાસ્તવિક સ્થિતિ અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. ગ્રામજનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે ઇસરી પોલીસ સ્ટેશનને હવે વહેલી તકે આધુનિક સુવિધાઓ સાથેનું નવું મકાન મળશે.




