
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લામાં ગુમ/મિસિંગ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવાની સૂચના જે તે પોલીસ મથકોને આપી હતી.જે અનુસંધાને સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલીયાનાં માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલોમાં શક્તિસિંહ સરવૈયા,ધર્મેન્દ્રસિંહ ચૌહાણ,પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ઝાલાની ટીમે ટેક્નિકલ સોર્સની મદદથી છ મહિનાથી ગુમ થયેલ 28 વર્ષીય યુવકને શોધી કાઢીને તેના પરિવાર સાથે ફરીથી મિલાપ કરાવ્યો છે.થોડા દિવસ પહેલા સાપુતારા પોલીસ સ્ટેશનમાં 28 વર્ષીય શંકરભાઈ રમેશભાઈ દળવી (રહે. બોરીગાંવઠા, તા. આહવા, જિ. ડાંગ) ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.સાપુતારા પોલીસને જાણવા મળ્યુ હતુ કે આ યુવક છેલ્લા છ મહિનાથી ગુમ હતો.સાપુતારા પોલીસની ટીમે આ ગુમ થયેલ યુવકને શોધવા માટે તત્કાળ કાર્યવાહી હાથ ધરી હતી.આ દરમિયાન પોલીસે ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને યુવકને શોધી કાઢ્યો હતો.સાપુતારા પોલીસની ટીમે યુવકને શોધીને તેના માતા-પિતાને સોંપ્યો હતો, જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.સાપુતારા પોલીસની આ કામગીરીની ખૂબ પ્રશંસા થઈ રહી છે…




