ARAVALLIMODASA

શામળાજી : જેઠ સુદ પૂર્ણિમાએ શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર, હજારો શ્રદ્ધાળુઓએ કર્યા શામળિયાના દર્શન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી : જેઠ સુદ પૂર્ણિમાએ શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર, હજારો શ્રદ્ધાળુઓએ કર્યા શામળિયાના દર્શન

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ વિસ્તારો તેમજ રાજસ્થાન સહિતના પ્રદેશોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર આખો દિવસ ‘જય શામળિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું

ધાર્મિક માન્યતા અનુસાર જે ભક્તો સમગ્ર માસ દરમિયાન પોતાના આરાધ્ય દેવના દર્શન માટે આવી શકતા નથી, તેઓ પૂર્ણિમાના દિવસે અવશ્ય દર્શન કરતા હોય છે. આ માન્યતાને કારણે જેઠ સુદ પૂર્ણિમાએ શામળાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો લાગી હતી અને મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક તંત્ર દ્વારા ભક્તોને સુવિધાપૂર્વક દર્શન થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાના ગર્ભગૃહને આકર્ષક ફૂલો દ્વારા વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. ઘણા ભક્તોએ બાધા-આખડી પૂર્ણ કરી ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો.જેઠ સુદ પૂર્ણિમાના અવસરે શામળાજી યાત્રાધામમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર મંદિર પરિસર દિવ્ય અને ભક્તિમય વાતાવરણથી છલકાઈ ઉઠ્યું હતું.

Back to top button
error: Content is protected !!