
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – જર્મની લઈ જવાના બહાને લગ્ન, દહેજની માંગ અને ત્રાસનો આક્ષેપ : પતિ સહિત ચાર સામે મહિલા પોલીસમાં ફરિયાદ

અરવલ્લી જિલ્લાના બાયડ મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે શારીરિક અને માનસિક ત્રાસ, દહેજની માંગણી, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી ઉન્નતીબેનના જણાવ્યા મુજબ વર્ષ 2023માં પરિવારની સંમતિથી કોર્ટ મેરેજ થયા હતા. લગ્ન બાદ પતિ જર્મનીમાં નોકરી પર જતા રહ્યા હતા અને વારંવાર જર્મની લઈ જવાની ખાતરી આપતા રહ્યા, પરંતુ વચન પૂરું કર્યું નહોતું. ફરિયાદ મુજબ પતિએ જર્મની લઈ જવાના બહાને ફરિયાદીના પિતા પાસેથી રૂ. 17 લાખ લીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સાસુ, સસરા અને નણંદ અવારનવાર નાની- મોટી બાબતોમાં તકરાર કરતા, પતિને ચઢામણી કરતા અને દહેજમાં કંઈ લાવ્યું નથી કહી અપમાન કરતા હતા. સંતાન ન હોવાથી ફરિયાદીને “વાંજણી” કહી અપમાનિત કરવામાં આવતી હતી તેમજ ગાળો આપી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
ફરિયાદ મુજબ પતિ દ્વારા દારૂના નશામાં મારપીટ કરવી, રૂ. 10 લાખ લાવવાની માંગણી કરવી, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ ફોન બ્લોક કરી સંબંધ તોડી નાખ્યાની પણ રજૂઆત કરવામાં આવી છે. અંતે ફરિયાદીને પિયર મોકલી દેવામાં આવી હતી અને ત્યારથી સાસરી પક્ષે કોઈ સંપર્ક રાખ્યો નહોતો.આ મામલે નાયબ પોલીસ અધિક્ષકની મંજૂરી બાદ બાયડ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ પ્રુથ્વી મફતભાઈ ચૌહાણ, સસરા મફતભાઈ રામજીભાઈ ચૌહાણ, સાસુ પ્રવીણાબેન મફતભાઈ ચૌહાણ અને નણંદ ઉજેસ્વીની મફતભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




