
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – હોદ્દેદારોની પસંદગી ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે – જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે અને વિવિધ તાલુકા પંચાયતોમાં સત્તા સ્થાપવા માટે રાજકીય કવાયત તેજ બની છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ભિલોડા અને શામળાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ બહુમતી હાંસલ કરીને સત્તાના દ્વાર ખોલી દીધા છે. જ્યારે મેઘરજ અને મોડાસા તાલુકા પંચાયતોમાં રસાકસીભરી સ્થિતિ સર્જાઈ છે

મેઘરજ તાલુકા પંચાયતમાં કુલ ૨૨ બેઠકોમાંથી કોંગ્રેસને ૧૧, ભાજપને ૧૦ અને ૧ બેઠક અપક્ષ ઉમેદવારને મળી છે. અપક્ષ ઉમેદવારના સમર્થનથી કોંગ્રેસને સત્તા પ્રાપ્ત થવાની શક્યતા મજબૂત છે. જો કે, અપક્ષ ઉમેદવાર ભાજપ તરફ ઝુકે તો ટાઈની સ્થિતિ સર્જાઈ શકે છે.
મોડાસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે ૧૦-૧૦ બેઠકો મેળવતા અહીં ટાઈની પરિસ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે ચિઠ્ઠી દ્વારા સત્તાનો નિર્ણય લેવાઈ શકે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.આ સમગ્ર પરિસ્થિતિ અંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા હોદ્દેદારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ હાથ ધરવામાં આવશે. તમામ ચૂંટાયેલા સભ્યો અને આગેવાનોને વિશ્વાસમાં લઈને પારદર્શક રીતે નિર્ણય લેવામાં આવશે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અરવલ્લી જિલ્લાના જનતાએ કોંગ્રેસ પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે બદલ અમે આભારી છીએ અને આ વિશ્વાસને સાર્થક કરવા માટે પ્રતિબદ્ધ છીએ. પક્ષના તમામ આગેવાનો અને કાર્યકરો એકજૂટ થઈને પ્રજાહિતના મુદ્દાઓ ઉઠાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કામે લાગી જઈશું





