
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી પોલીસે ચંપલોના બોક્સોની આડમાં લઈ જવાતો ₹ 15.65 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 1 ને ઝડપી પાડ્યો

અરવલ્લી જિલ્લામાં પ્રોહીબિશન અટકાવવા શામળાજી પોલીસે વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. શામળાજી પોલીસે ટાટા કંપનીની બંધ બોડીની ટ્રક ગાડી નંબર UP-65-KT-6473 માંથી ચંપલોના બોક્સોની આડમાં છુપાવી લઈ જવાતો ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ₹26,17,880 નો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી છે.
વિરેન્દ્રસિંહ યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબિશન વિરુદ્ધ સઘન ચેકિંગ અને રાજસ્થાન બોર્ડર તરફથી આવતા વાહનો પર કડક નજર રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી.તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાધેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલ તથા પો.સ.ઇ. પી.ડી. ગોહીલ અને શામળાજી પોલીસ સ્ટાફ અણસોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં રોકાયેલા હતા.
આ દરમિયાન બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે ટાટા કંપનીની ટ્રક નંબર UP-65-KT-6473 માં ચંપલોના બોક્સોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી.ટ્રકના ચાલકની ઓળખ કપિલ સ/ઓફ અરૂણચંદ રામસ્વરૂપ રાજપૂત (ઉ.વ. 42), રહે. નસવારી, તા. ગોવિંદગઢ, જી. અલ્વર (રાજસ્થાન) તરીકે થઈ હતી. ટ્રકની અંદર ભરેલા ચંપલોના બોક્સો હટાવી તપાસ કરતા અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 204 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 8616 બોટલ/ક્વાટર મળી આવ્યા હતા.
પોલીસે કુલ ₹15,62,880 ના દારૂનો જથ્થો, ₹10 લાખની ટ્રક, ₹50 હજારના ચંપલોના બોક્સ તથા એક મોબાઇલ ફોન મળી કુલ ₹26,17,880 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કબ્જે કરાયેલ મુદ્દામાલ
વિદેશી દારૂની 204 પેટીઓ – કિંમત ₹15,62,880
મોબાઇલ ફોન – કિંમત ₹5,000
ચંપલોના બોક્સ 50 નંગ – કિંમત ₹50,000
ટાટા કંપનીની ટ્રક – કિંમત ₹10,00,000
પકડાયેલ આરોપી
કપિલ સ/ઓફ અરૂણચંદ રામસ્વરૂપ રાજપૂત, રહે. નસવારી, તા. ગોવિંદગઢ, જી. અલ્વર (રાજસ્થાન)
શામળાજી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




