
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં SMC નો મોટો ધડાકો : ₹ 26 લાખથી વધુનો વિદેશી દારૂ અને બે લક્ઝરી કાર સાથે એક ઝડપાયો
અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શામળાજી તાલુકાના કરછા ગામ નજીક જબચિતરિયાથી શામળાજી રોડ ઉપર પ્રોહિબિશન રનિંગ રેડ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો

SMC દ્વારા હાથ ધરાયેલ આ કાર્યવાહીમાં કુલ 7442 બોટલ અને ટીન IMFL દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 26.19 લાખ જેટલી થાય છે. ઉપરાંત રેડ દરમિયાન બે લક્ઝરી કાર — ઇનોવા અને ફોર્ચ્યુનર કાર — પણ કબ્જે લેવામાં આવી હતી. બંને વાહનોની કુલ કિંમત રૂપિયા 50 લાખ આંકવામાં આવી છે. સાથે બે મોબાઇલ ફોન મળી કુલ મુદ્દામાલ રૂપિયા 76.39 લાખનો જપ્ત કરવામાં આવ્યો હતો.આ મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 111(2)(B), 111(3), 111(4) હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રેડ દરમિયાન ફોર્ચ્યુનર કારનો ડ્રાઇવર ઠાકોર રાજેશ ઉર્ફે રાજુ ઉદાજી (રહે. માફતનગર, નરોડા, અમદાવાદ)ને ઝડપી પાડી શામળાજી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યારે દારૂના રિસીવર, સપ્લાયર તેમજ પાયલોટિંગ કરતા સહિત કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.વોન્ટેડ આરોપીઓમાં શ્રવણ ઉર્ફે બલિયો જોરાજી ઠાકોર, રમેશ ઠાકોર, ભાનો, હારૂન જબ્બારભાઈ શેખ, ભુપેન્દ્રસિંહ બાપુ તથા બંને વાહન માલિકોના નામનો સમાવેશ થાય છે.આ સમગ્ર કાર્યવાહી SMCના PSI સી.કે. સિસોદિયા દ્વારા ટીમ સાથે હાથ ધરવામાં આવી હતી.





