
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – રોટરી ક્લબના સહયોગથી મોડાસા કોલેજ પોલીસ ચોકીનું નવીનીકરણ, એસપીએ કર્યું ઉદ્ઘાટન

અરવલ્લી: અરવલ્લીના મોડાસા શહેરમાં સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુથી મોડાસા-ધનસુરા રોડ પર આવેલી કોલેજ પોલીસ ચોકીનું રોટરી ક્લબ મોડાસાના સહયોગથી રિનોવેશન કરીને નવીન સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ આધુનિકીકૃત પોલીસ ચોકીનું ઉદ્ઘાટન અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.મોડાસા-ધનસુરા રોડ પર દિવસભર ભારે વાહનવ્યવહાર રહે છે તેમજ આસપાસની વિવિધ કોલેજોમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા, છેડતી, મારામારી, ચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા અને સમગ્ર વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી આ પોલીસ ચોકીનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે.આ પોલીસ ચોકી કાર્યરત થતાં અકસ્માત, ઈમરજન્સી અથવા અન્ય કોઈ કટોકટીની સ્થિતિમાં લોકોને તાત્કાલિક પોલીસ સહાય ઉપલબ્ધ થશે. ઉપરાંત, સ્થાનિક લોકોની અરજીઓનું ઝડપી નિરાકરણ પણ શક્ય બનશે, જેના કારણે વિસ્તારમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનશે.ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા ડીવાયએસપી, મોડાસા ટાઉન પીઆઈ, પીએસઆઈ, પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ શહેરના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



