અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
તેરે મેરે સપને થીમ પર પ્રિ- પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટરની જાણકારી આપવામાં આવી.
અરવલ્લીના માલપુરમાં આવેલ મધર કેર ઇન્સ્ટિટ્યૂટમાં છોકરા છોકરીઓને તેરે મેરે સપને અંતર્ગત પ્રિ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટર અંતર્ગત જાણકારી આપવામાં આવી. લગ્ન પહેલાના અને લગ્ન પછી સાંસારિક જીવનની મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી. સખી વન સ્ટોપ સેન્ટરના હેતલ પટેલ દ્વારા “લગ્નજીવનની ખુશીઓ” વિષય પર સુંદર માહિતી આપતા જણાવ્યું કે, લગ્ન એ માત્ર બે વ્યક્તિઓને જોડતો સંબંધ નથી, પરંતુ બે હૃદયો, બે કુટુંબો અને બે જીવનમાર્ગોને એકસાથે બાંધતી પવિત્ર સંસ્થા છે. લગ્નજીવન એ જીવનનો એવો અધ્યાય છે જ્યાં હું શબ્દની જગ્યા પર અમે શબ્દનું મહત્વ વધે છે. લગ્નજીવનની સાચી ખુશી એમાં છે કે જ્યારે જીવનસાથી એકબીજાની લાગણીઓ સમજે, એકબીજાના દુઃખ–સુખમાં સાથી બને અને સહકાર આપીને જીવનનું સફર આગળ વધારે. નાનકડા ઝઘડામાંથી ઉપજતી સમજણ, રોજિંદા જીવનની નાની–મોટી ખુશીઓ, બાળકોના હાસ્યમાં મળતી શાંતિ અને પરિવાર સાથે ઉજવાતા તહેવારો – આ બધું જ લગ્નજીવનને આનંદમય બનાવે છે.
સાચી ખુશી પૈસા, ઐશ્વર્ય કે ભૌતિક સુવિધાઓમાં નથી, પણ એકબીજા પ્રત્યેનો વિશ્વાસ, પ્રેમ, લાગણી અને આદર જ લગ્નજીવનને સુખી અને મીઠું બનાવે છે. લગ્નજીવન એ બે આત્માઓની એવી યાત્રા છે, જ્યાં સહનશીલતા, માફી, સમજણ અને ત્યાગ જેવી મૂલ્યો માર્ગદર્શક બનીને જીવનને સફળ બનાવે છે. કાર્યક્રમના અંતમાં છોકરા છોકરીઓને લગ્નજીવનની ખુશીઓ સમજાવ્યા જણાવ્યું કે લગ્ન જીવનની ખુશી એમાં નથી કે આપણે કેટલું મેળવ્યું, પણ એમાં છે કે આપણે એકબીજાને કેટલું આપ્યું. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર અને પ્રિ પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટરની વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે સાથે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને કાયદાઓની જાણકારી આપવામાં આવી. મધર કૅર ઇન્સ્ટિટ્યૂટ ના સ્ટાફ દ્વારા આભાર વ્યક્તિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો.