અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ગુજરાતમાં નવા 17 તાલુકા : અરવલ્લી જિલ્લામાં ભિલોડા માંથી શામળાજી અને બાયડમાંથી સાઠંબા તાલુકાનો ઉમેરો થશે
ભિલોડા તાલુકામાં હાલ કુલ 141 ગામડાંઓ :- જેમા 72 ગામડાં નવા શામળાજી તાલુકામાં જશે જ્યારે 69 ગામડાં ભિલોડા તાલુકામાં જ રહેશે
ગુજરાત રાજ્ય સરકારે રાજ્યમાં 17 નવા તાલુકા બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની આ જાહેરાતને સિદ્ધાંત મંજૂરી મળતાં જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ પહેલાં આ તાલુકાઓ અસ્તિત્વમાં આવી જશે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી
અરવલ્લી જિલ્લામાં હાલ 6 તાલુકાઓ – ભિલોડા, મેઘરજ, માલપુર, બાયડ, મોડાસા અને ધનસુરા કાર્યરત છે. હવે જિલ્લામાં બે નવા તાલુકાનો ઉમેરો થઈ રહ્યો છે સાથે હવે તાલુકાની સંખ્યા 8 થશે ખાસ કરીને ભિલોડા તાલુકાનું વિભાજન કરીને શામળાજી તાલુકો રચાશે.હાલના ભિલોડા તાલુકામાં 141 ગામડાં છે જેમા 72 ગામડાં નવા શામળાજી તાલુકામાં જશે જ્યારે 69 ગામડાં ભિલોડા તાલુકામાં જ રહેશે તેમજ ધારાસભ્ય એ જણાવ્યું હતું બીજી તરફ બાયડ તાલુકાનું વિભાજન કરીને સાઠંબા તાલુકો બનાવવામાં આવશે.મેઘરજ તાલુકાના ગામડાંમાં કોઈ ફેરફાર નહીં થાય તે પોતાના તાલુકામાં જ સ્થિર રહેશે.શામળાજીને તાલુકો બનાવવાની માંગ વર્ષ 2016 થી ચાલી રહી હતી. ધારાસભ્ય પી.સી. બરંડાએ શામળાજી મહોત્સવ દરમિયાન જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે શામળાજી ને તાલુકો જાહેર કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને દરખાસ્ત પણ કરાઈ હતી.હવે આ માંગને સરકાર દ્વારા સ્વીકૃતિ મળતાં શામળાજી તાલુકો બનતા વિસ્તારના લોકોનું સ્વપ્ન સાકાર બનશે.નવા તાલુકા બનતાં અરવલ્લી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વહીવટી કામકાજ સરળ બનશે, વિકાસના કાર્યો ઝડપી ગતિએ પહોંચશે અને લોકહિતના નિર્ણયો ગામડાંના સ્તરે વધુ અસરકારક રીતે અમલમાં આવશે તેવી આશા સેવાઈ રહી છે.