ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લાના મહેસૂલ વિભાગે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને કુલ ૫૪૬૦ જેટલા સર્વે નંબરોની જમીનોને જુની શરતમાં ફેરવી

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના મહેસૂલ વિભાગે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને કુલ ૫૪૬૦ જેટલા સર્વે નંબરોની જમીનોને જુની શરતમાં ફેરવી

નવી અને અવિભાજ્ય શરતની તેમજ પ્રતિબંધિત અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોને જુની શરતમાં ફેરવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ ૦૮/૦૪/૨૦૨૫ના રોજ જારી કરવામાં આવેલા મહત્વપૂર્ણ પરિપત્રે રાજ્યમાં ખેડૂતોના જીવનમાં નવો પ્રકાશ લાવ્યો છે. આ પરિપત્ર અનુસાર, નવી અને અવિભાજ્ય શરતની તેમજ પ્રતિબંધિત અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોને જુની શરતમાં ફેરવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોને જમીનના વેચાણ, વિભાજન અને બિનખેતી હેતુ માટેના ઉપયોગમાં મોટી રાહત મળી છે, કારણ કે અગાઉ આવી જમીનો પર અનેક પ્રતિબંધો હતા જે ખેડૂતોની આર્થિક પ્રગતિમાં અડચણરૂપ બનતા હતા.

આ પરિપત્રના અમલીકરણમાં અરવલ્લી જિલ્લાએ અગ્રેસર ભૂમિકા ભજવી છે. અરવલ્લી જિલ્લો, જે આદિવાસી બહુલ વિસ્તાર તરીકે જાણીતો છે અને અરવલ્લી પર્વતમાળાઓની ગોદમાં વસેલો છે, ત્યાં ઘણી જમીનો નવી અને અવિભાજ્ય શરત હેઠળ ફાળવવામાં આવી હતી. આ જમીનો મુખ્યત્વે ગરીબ અને જમીન વિહોણા આદિવાસી પરિવારોને ખેતી માટે આપવામાં આવી હતી, પરંતુ તેના પરના પ્રતિબંધોને કારણે ખેડૂતો આર્થિક રીતે મજબૂત બની શકતા નહોતા. નવી શરતની જમીન બિનખેતી કરવા માટે પ્રમિયમ વસુલ લેવામાં આવતુ. જમીન જુની શરતમાં ફેરવ્યા પહેલાં વેચાણ તથા વિભાજન કરવામાં અડચણો આવતી હતી.

આ પરિપત્રના અનુસંધાને અરવલ્લી જિલ્લાના મહેસૂલ વિભાગે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને કુલ ૫૪૬૦ જેટલા સર્વે નંબરોની જમીનોને જુની શરતમાં ફેરવી દીધી છે. આ પ્રક્રિયામાં જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ મામલતદારો, મહેસુલી તલાટીઓ અને અન્ય અધિકારીઓએ દિવસ-રાત મહેનત કરી. ખેડૂતોની અરજીઓની તપાસ, દસ્તાવેજોની ચકાસણી અને રેકોર્ડ અપડેટ કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી. આનાથી હજારો ખેડૂત પરિવારોને સીધો લાભ મળ્યો છે.

આ સફળતાનું સૌથી મોટું પરિણામ એ છે કે હવે આ ખેડૂતો તેમની જમીનને મુક્તપણે વાપરી શકે છે. તેઓ જમીનને પ્રિમિયમ ભર્યા સિવાય બિનખેતી, વેચાણ તથા વિભાજન કરી વ્યવસાય શરૂ કરી શકે છે અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં હવે ખુશીનો માહોલ છે. ઘણા ખેડૂતોએ આ ફેરફારથી તેમના જીવનમાં નવી શરૂઆત કરી છે – કેટલાકે નવા ઘર બાંધ્યા અને કેટલાકે ખેતીમાં વધુ રોકાણ કર્યું.આ સફળતા કથા અરવલ્લી જિલ્લાના મહેસૂલ અધિકારીઓની સમર્પિતતા અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓનું પ્રતીક છે. આ પગલાથી રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આર્થિક વિકાસને વેગ મળશે અને ખેડૂતોનું જીવન વધુ સમૃદ્ધ બનશે.

 

Back to top button
error: Content is protected !!