
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
સરકારી પોલીટેક્નીક વલસાડ ખાતે હીરક મહોત્સવના કન્વીનર અને આચાર્ય ડૉ. અમિત ધનેશ્વરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના હીરક મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે માં સરસ્વતીની એકજ માર્બલમાંથી કંડારાયેલ ૬ ફૂટ ઉચી ભવ્ય- દિવ્ય મૂર્તિની ભાવપ્રતિષ્ઠા, સ્થળ પવિત્રીકરણ અને અનાવરણનો કાર્યક્રમ શ્રી વસંતભાઇ પટેલ, એમ. ડી. લ્યુનાર મોટર્સ, વશીયર, વલસાડના અધ્યક્ષ સ્થાને તા.૧૧ જુન ના રોજ બુધવારે યોજાઇ ગયો.આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં ડૉ. અમિત ધનેશ્વરે જણાવ્યું કે શિક્ષણ એવું હોવું જોઈએ કે જેનાથી વિધાર્થીઓનો શૈક્ષણિક ઉપરાંત ફિઝિકલ, મેન્ટલ, ઈમોશનલ અને સ્પિરિચ્યુઅલ વિકાસ થાય માત્ર ઇંગ્લિશ ભણવાથી, બોલવાથી અને ટેકનીકલ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે ઈન્ટરનેશનલ થઈ જતા નથી પણ અન્ય માધ્યમ મારફત સાતત્યથી આપણી પોતાની સંસ્કૃતિનો પરિચય કરાવવો જોઇએ અને આપણા મુળિયા સુધી વિદ્યાર્થીઓને લઈ જવા જોઈએ, આપણી સંસ્કૃતિને સમજયા વિના તેઓ વાસ્તવિક અને સાત્વિક વિકાસ કરી શકે નહી. આ વિચારને કેંદ્ર સ્થાને રાખી ન્યુ એજ્યુકેશન પોલીસી ને સુસંગત ભારતીય જ્ઞાન પ્રણાલીના થીમ પર સરકારી પોલીટેકનીક,વલસાડના હીરક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સંસ્થાના ઇલેક્ટ્રીકલ ઇજનેરી અભ્યાસક્રમના પ્રથમ બેચના વિદ્યાર્થી અને વલસાડ્ના અગ્રણી ઉદ્યોગ રત્ન અને સંસ્થાને આઇકોનીક સ્ટેચ્યુ સર્કલના રૂપે કાયમી સંભારણું ભેટ આપનાર શ્રી વસંતભાઇ પટેલે તેમના અભ્યાસકાળના સંસ્મરણો વાગોળતા કાર્યક્રમમાં ઉપસ્થિત સ્ટાફ અને વિદ્યાર્થીઓને જણાવેલ કે દેવી સરસ્વતીને પ્રસન્ન કરનાર સાધક જ્ઞાની, વિજ્ઞાની, મહર્ષિ અને બ્રહ્મર્ષિ થઈ શકે છે. મા સરસ્વતીને વિદ્યાની દેવી કહેવામાં આવે છે. સરસ્વતી વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન અને વાણીની અધિષ્ઠાત્રી દેવી છે. તેમનું સ્વરૂપ જ્ઞાનમય, આનંદમય છે.અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત ભાગડાવાડા ગામના સરપંચ શ્રી ધર્મેશ પટેલએ સરકારી પોલીટેકેનીક્ સાથેના તેમના સંસ્મરણો અને ભૌતિક સુવિધાના વિકાસ અંગેની વાત કરેલ અને વલસાડ જિલ્લાના ૧૯૬૪ થી શરૂ થયેલ અનોખા વિકાસ સાથે તાલમેલ જાળવી આજે સંસ્થાનો હીરક મહોત્સવ સમગ્ર દેશ માટે પ્રેરણા રૂપ બની રહ્યો હોવા બદલ અભિનંદન આપ્યા હતા.ભારતીય સંસ્કૃતિની જળવણી અને પ્રસાર માટે ભાગડાવાડાના સૌ ગ્રામજનો પણ ગૌરવ અનુભવે છે અને ભવિષ્યમાં અમારો સાથ અને સહકાર કાયમ રહેશે એવી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરેલ. સમગ્ર કાર્યક્રમના સુત્રધાર શ્રીમતી ડી પી દાસ અને શ્રીમતી કે બી પટેલ દ્વારા સરસ્વતી વંદના બાબતે ઉલ્લેખ કરેલ કે ‘સરસ્વતી’ પદનો વ્યુત્પત્તિગત અર્થ પણ આ જ છે. ‘સરસ્’ એટલે ‘વિદ્યા’ અને ‘વત્’ એટલે ‘થી યુક્ત’. તેથી ‘સરસ્વત્’ એટલે ‘વિદ્યાથી યુક્ત’ અને તેનું સ્ત્રીલિંગરૂપ ‘સરસ્વતી’ થાય છે. જેનો અર્થ છે વિદ્યાવાળી એટલે કે વિદ્યાની દેવી. માં સરસ્વતી આપણા જીવનની જડતાને દૂર કરે છે. સંસ્થા ખાતે નિર્માણ થયેલ આઇકોનીક સ્ટેચ્યુ સર્કલ સાથે પ્રથમ દિવસથી સતત કાર્યરત એવા શ્રી એચ. બી. પટેલ, મીકેનીકલ ખાતાના વડાએ આ વિકાસ કેવી રીતે થયો અને તેમાં સૌના સહયોગ માટે આભાર માનતા જણાવેલ કે કોઇ પણ કાર્યના સર્જનમાં અને તે કાર્યને ટકાવવા માટે અને તે કાર્યમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે જ્ઞાન અને ભાવ બંન્ને જરૂરી છે. આ ઉપરાંત સંસ્થાના NSS અધિકારી શ્રી નિરલ જી. પટેલે સંસ્થાના પ્રાંગણમાં સદર પ્રકલ્પ પ્રસ્તુત હોવા અંગે માહિતી આપતા જણાવેલ કે શિક્ષા પ્રાપ્તિ માટે પવિત્રતા જરૂરી છે. પવિત્રતાથી શ્રદ્ધા અને એકાગ્રતા આવે છે. શિક્ષાની ઓળખ જ્ઞાન છે. જ્ઞાનથી આપણને યોગ્ય અને અયોગ્ય અથવા શુદ્ધ અને અશુદ્ધની ઓળખ થાય છે. આ જ વિવેક કહેવાય છે. માનવ જીવનના વિકાસ માટે શિક્ષા ખૂબ જ જરૂરી છે. કાર્યક્રમના અંતે સંસ્થાના વહીવટી અધિકારી શ્રી વી.જે. પટેલ દ્વારા આભાર વિધી વ્યક્ત કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના હીરક મહોત્સવની ટીમ ના દરેક સભ્યો દ્વારા ભારે મહેનત કરેલ.



