બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો મેળો શાંતિપુર્ણ રીતે યોજાય તેમજ શ્રધ્ધાળુઓની વ્યવસ્થા જળવાય તેવા હેતુથી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી*
જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વર્ષે પણ આ મેળો તારીખ 10 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન યોજાનાર છે. આ મેળો શાંતિપુર્ણ રીતે યોજાય તેમજ શ્રધ્ધાળુઓની વ્યવસ્થા જળવાય તેવા હેતુથી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ મેળાના સુચારું આયોજન માટે આજરોજ કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ સમિતિના કન્વીનર/ સહ કન્વીનરો તેમને સોંપેલ કામગીરી અંતર્ગત જરૂરી માર્ગદર્શન/સુચના આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જેમ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું મહત્વ છે, તેમ મહેસાણા જિલ્લામાં બહુચરાજીના ચૈત્રી પૂનમના મેળાનું મહત્વ રહેલું છે. વધુમાં તેમણે આ મેળામાં અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોવાથી શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ સમિતિના કન્વીનરશ્રીઓને આગોતરું આયોજન કરી જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી હતી.
જિલ્લા કલેકટરએ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા, પ્લોટો નક્કી કરી જાહેર હરાજી માટે ફાળવણી કરવા, મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, મેળામાં મંડપ સહિતની આનુસાંગિક વ્યવસ્થા, મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે માટે સાફ સફાઈની વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, મેળા દરમિયાન યાત્રાળુઓ માટે પુરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા, મેળામાં વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેમજ મેળામાં આરોગ્ય અંતર્ગત તમામ સુવિધાઓ મળી રહે જેવી વિવિધ બાબતે સંબંધિત કન્વીનરોને તેમની કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડા, બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદારશ્રી વિકાસ રાતડા, નાયબ પોલીસ અધિક્ષક તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.