
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
– રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર
માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ, ટેબ્લો અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું
ભુજ,તા-૨૬ જાન્યુઆરી : ૨૫ વર્ષ પહેલા ભૂકંપના કારણે પડી ભાંગેલું કચ્છ વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝન તથા કચ્છીઓના ખમીરના કારણે માત્ર બેઠું જ નથી થયું પરંતુ દેશ દુનિયામાં નવ સર્જનનું ઉદાહરણ બન્યું છે. આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ભુજ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વે ગર્વભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી.આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ પ્લાટુનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં રાજયમંત્રીશ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૭માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં દેશના સ્વાતંત્ર્યવીરો અને શહિદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે, આ ભૂમિ હંમેશા લોકલાડીલા પ્રધાનમંત્રી ના દિલમાં વસેલી છે. નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ચીંધેલા ગુજરાતના વિકાસના પથ ઉપર આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે.કાર્યક્રમમાં રાજ્યમંત્રી એ પ્રાસંગિક પ્રવચન કરતા કચ્છના બાગાયતી, ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન ક્ષેત્રના વિકાસની વણથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે, એક સમયે પાણીની હાડમારી વેઠતા કચ્છના પશુપાલકોને પશુઓ સાથે હિજરત કરવી પડતી તો લોકોને પાણી માટે ભારે સમસ્યા ભોગવવી પડતી પરંતુ આ બધું વડાપ્રધાન ના દિશા નિર્દેશન તથા મુખ્યમંત્રી નેતૃત્વમાં ઘર ઘર પહોંચેલા નર્મદાના નીરના કારણે ભૂતકાળ બન્યું છે.આ પ્રસંગે પ્રભારી મંત્રી એ ભૂકંપમાંથી કચ્છને વિકાસના પથ પર આગળ લાવવામાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકાને યાદ કરતા જણાવ્યું હતું કે, તે સમયે કચ્છને જોઈ બધા કહેતા હતા કે, આ પ્રદેશ ફરી બેઠો નહીં થાય પરંતુ તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયી તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિનાશમાંથી કચ્છનું દરેક ક્ષેત્રે નવસર્જન કરીને આજે દુનિયાના નકશામાં ગાજતું કર્યું છે. “કચ્છ નહીં દેખા તો, કુછ નહીં દેખા” એ ઉક્તિ આજે ખરા અર્થમાં સાર્થક થઈ હોવા સાથે આવનારા સમયમાં કચ્છના વધુ વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની ખાત્રી આપતા રાજ્યમંત્રી એ વધુમાં ઉમેર્યું હતું કે, આજે કચ્છ બાગાયતી પાકથી લઇને સોલાર એનર્જીનું હબ બન્યું છે. તે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી કચ્છમાં બંદરોનો વિકાસ ઉડીને આંખે વળગે છે. રાજ્યમંત્રી એ દરેક નાગરીકને નવા ભારતના નિર્માણ માટે તેમજ રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાવવા અનુરોધ કર્યો હતો.આ તકે રાજ્યમંત્રી સાથે કલેક્ટર આનંદ પટેલ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પરેડ નિરીક્ષણ કર્યુ હતું. આ બાદ પરેડ કમાન્ડર ની આગેવાની હેઠળ વિવિધ પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી. આજની આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જયો હતો. દેશભક્તિ ગીત, અભિનય ગીત, પીરામીડ, પાઇપ બેન્ડ નૃત્ય, સમૂહ નૃત્ય, ડોગ અને ઘોડા સવારીના કરતબોની પ્રસ્તૃતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઇ હતી. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા.આ તકે રાજયમંત્રી ના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું. રાજ્ય મંત્રી એ કલેક્ટર ને તાલુકાના વિકાસ માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતા રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો હતો. આ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વે કેશુભાઇ પટેલ, અનિરુધ્ધભાઇ દવે, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, નિવાસી અધિક કલેક્ટર ડી. પી. ચૌહાણ, આર્મીના ઉચ્ચઅધિકારી વિકાસ પ્રભાકર,પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારી ઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.










