હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં રાજકીય પક્ષો સાથે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની ઉપસ્થિતિમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત કલેકટર કચેરી સભાખંડ હિંમતનગર ખાતે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં લોકશાહીને મજબૂત બનાવવા માટેની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંગે રાજકીય પક્ષો સાથે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા.04/11/2025થી 04/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા. 09/12/2025ના રોજ ડ્રાફ્ટ રોલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા. 09/12/2025થી 08/01/2026 સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે. 31/01/2026 સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.07/02/2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ બેઠકમાં SIR ની મુખ્ય પ્રક્રિયાઓ તેમજ SIR શા માટે જરૂરી છે તે અંગે પણ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી રાજેશ ચૌહાણ તેમજ રાજકીય પક્ષોના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





