
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૬ ઓગસ્ટ : સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાતિગત સમાનતાને પ્રોત્સાહિત કરવા મહિલા સશક્તકરણ અર્થે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. હાલમાં ઓગસ્ટ માસના પહેલા અઠવાડિયાને ગુજરાત સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ” તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરુપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સુ.શ્રી. એમ. ધારણી (આઇ.એ.એસ.)ના અધ્યક્ષ સ્થાને કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (પ્રતિબંધ, અટકાવ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ ૨૦૧૩ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કલેક્ટરશ્રીની કચેરી ખાતે કરવામાંઆવેલ હતુ. આ જાગૃતિ સેમિનારમાં ભુજ શહેરમાં સરકારી વિભાગોમાં કામ કરતાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સેમિનારમાં જાણીતા કાયદા નિષ્ણાંત સુ.શ્રી માલશ્રીબેન ગઢવીએ કામકાજનું સ્થળ કોને કહેવાય, જાતિય સતામણીએટલે શું, આ કાયદા મુજબ ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય, કોણ ફરિયાદ કરી શકે, આંતરિક ફરિયાદ સમિતિ, સ્થાનિક ફરિયાદ સમિતી તથા કાયદાની વિવિધ જોગવાઈઓ વિષે સરળ ભાષામાં સમજુતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવનીબેન દવે દ્વારા સી બોક્સ પોર્ટલ પર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા અંગે વિગતવાર સમજુતી આપવામાં આવી હતી. ત્યાર બાદ “પ્રતિકાર” શોર્ટ મુવી દર્શાવવામાં આવી તથા આ કાયદા અંગે પ્રશ્નોતરી કરવામાં આવી હતી.
કાર્યક્ર્મના અધ્યક્ષ દ્વારા શ્રી .ધારણી એમ. (આઇ.એ.એસ.) દ્વારા મહિલાઓને કામકાજના સ્થળે કોઇ પણ પ્રકારની જાતિય ભેદભાવ સહન ન કરવા તથા તેના માટેની પ્રેરણા માટે ભંવરી દેવીમાંથી પ્રેરણા લેવા માટે વિનંતી કરી હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિજયાબેન પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી ભરતકુમાર મકવાણાએ આભાર વિધી તથા ડીસ્ટ્રીક્ટ હબ ફોર વિમેન એમ્પવારમેન્ટના ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર શ્રી ફોરમબેન વ્યાસ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.




