શહેરા નગરપાલિકા હોલ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં આયુષ મેળો યોજાયો
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા શહેરા નગરપાલિકા હોલ ખાતે વિશાળ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. એકે ગેલોત દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પણ આ પ્રસંગે ઉદ્બોધન કર્યું હતું.
ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આજના યુગમાં આયુષ પદ્ધતિઓ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીની પ્રાસંગિકતા અને મહત્વ વિશે શ્રોતાગણને માહિતી આપી હતી. આ ઉપરાંત, પી.એસ.સી. સેન્ટરના ડૉ. ભરતભાઈ ગઢવી પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આયુષ મેળાનું મુખ્ય આયુર્વેદ અને હોમિયોપેથી સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ રહ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ નિદાન અને સારવારનો લાભ લીધો હતો.આ સાથે જ જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આયુષના સિદ્ધાંતો વિશેની માહિતી, રસોડાની ઔષધીઓ અને વન ઔષધીઓનું પ્રદર્શન, આરોગ્યપ્રદ પીણાંનું પ્રદર્શન,ICDS શાખા દ્વારા પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન વિવિધ પ્રદર્શનીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયુષ મેળામાં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ જાહેર જનતાએ ભાગ લીધો હતો અને ભારતીય પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના લાભ મેળવ્યા હતા.