
અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન થયેલ બાજકોટ સબયાર્ડ આઠ વર્ષથી બંધ – ખેડૂતો સાથે ખુલ્લો અન્યાય : તાત્કાલિક શરૂ કરવા કોંગ્રેસની માંગ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાજકોટ ખાતે ખેડૂતોની સુવિધા માટે બનાવાયેલ સબયાર્ડ છેલ્લા ૮ વર્ષથી બંધ હાલતમાં પડ્યું છે, જે સરકાર અને પ્રશાસનની ઘોર બેદરકારીનો સ્પષ્ટ પુરાવો છે.
વર્ષ ૨૦૧૭માં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થયેલ આ સબયાર્ડમાં ૧૭૦ ગોડાઉન અને ૧૧૪ દુકાનો તૈયાર કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી અહીં પાક હરાજીની એક દિવસની પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી. ઉદ્ઘાટન કરીને ફોટા પડાવ્યા, પરંતુ ખેડૂતોને સુવિધા આપવાની કોઈ ઈચ્છા દેખાતી નથી. આ હકીકત અત્યંત દુઃખદ છે.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજીસ્ટાર ને લેખિત રજૂઆત કરી કડક સવાલ ઉઠાવ્યા છે કે ઉદ્ઘાટન પછી પણ સબયાર્ડ કેમ શરૂ થયું નથી? આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ છે ?કરોડો રૂપિયા ના ખર્ચે તૈયાર થવા છતાં સુવિધા ખેડૂતો સુધી કેમ પહોંચતી નથી?
પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન થયેલો પ્રોજેક્ટ વર્ષો સુધી બંધ રહેવું એ માત્ર નિષ્ફળ આયોજન નહીં પરંતુ ખેડૂતો સાથે મજાક સમાન છે. આજે બાજકોટ સબયાર્ડ વિકાસનું પ્રતીક નહીં, પરંતુ નિષ્ક્રિયતા અને જવાબદારીના અભાવનું જીવતું ઉદાહરણ બની ગયું છે.કોંગ્રેસ તરફથી સ્પષ્ટ અને દૃઢ માંગ કરવામાં આવે છે કે બાજકોટ સબયાર્ડને તાત્કાલિક કાર્યરત કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને તરત હકની સુવિધા આપવામાં આવે.જો તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો ખેડૂતોના હિતમાં લોકશાહી રીતે કડક વિરોધ, આંદોલન અને રસ્તા પર ઉતરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે.






