આગાખાન ગ્રામ વિકાસ સંગઠન અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જૂનાગઢ દ્વારા બાલિકા પંચાયત મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે માંગરોળ તાલુકામાં આવેલ જુના કોટડા ગામની બાલિકા પંચાયતે કુનરિયા અને લોહારિયા ગામની બાલિકા પંચાયતની મુલાકાત લીધી હતી.જેનો ઉદેશ્ય બાલિકા પંચાયતના સભ્યોને અન્ય ગામોમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓથી પરિચિત કરાવવાનો હતો. આ મુલાકાતથી તેઓ મહિલાઓના પ્રશ્નોને કઈ રીતે અસરકારક રીતે વાચા આપી શકાય અને શૈક્ષણિક, સ્વાસ્થ્ય અને સામાજિક સુધારણાના ક્ષેત્રમાં કેવા નવા પ્રયાસો કરી શકાય તે વિશે તેઓએ જાણકારી મેળવી હતી. બાલિકા પંચાયત કેવી રીતે બની, તે શું કાર્ય કરે છે, કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેમના વિશે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.દેશમાં બાલિકા પંચાયતની શરૂઆત ગુજરાતના કચ્છ જિલ્લાના કુનરિયા ગામમાંથી થઈ હતી. વર્ષ ૨૦૨૧ માં રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર મહિલા અને બાળ વિકાસ વિભાગે બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન હેઠળ કુનરિયા ગામમાં બાલિકા પંચાયતની સ્થાપના કરી હતી.આ પહેલનો મુખ્ય હેતુ યુવતીઓમાં સામાજિક અને રાજકીય જાગૃતિ વધારવી અને તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો રહેલો છે.બાલિકા પંચાયતમાં ૧૧ થી ૨૧ વર્ષની યુવતીઓ દ્વારા આ ઉદેશો સાથે સંચાલન થાય છે. જેમાં શિક્ષણનો વ્યાપ વધારવો, શાળાએથી ડ્રોપઆઉટ થતી છોકરીઓને ફરીથી શિક્ષણ સાથે જોડવા માટે કરવામાં આવતા પ્રયાસો, સ્વચ્છતા અને સ્વાસ્થ્યમાં માસિક ધર્મ સંબંધિત સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય જાગૃતિ અભિયાન, સામાજિક સુધારણા અંતર્લગત બાળ લગ્ન અને અન્ય સામાજિક કુરીતિઓ સામે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કરાવવા, ગ્રામ પંચાયતની બેઠકમાં ભાગ લેવો અને તેમના સૂચનો રજૂ કરવા, લોકશાહી અને શાસન વ્યવસ્થામાં યુવતીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવી, લિંગ સમાનતા જેવા વિષયોમાં જાગૃતિ લાવવી તેમ અનેકવિધ જન કલ્યાણલક્ષી આયામો જોવા મળે છે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ