
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૬ સપ્ટેમ્બર : તા.૦૭/૦૯/૨૦૨૪ થી ૧૬/૦૯/૨૦૨૪ સુધી ગણેશોત્સવની ઉજવણી થનાર છે. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ ધાર્મિક રીત-રિવાજ મુજબ મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. આ તહેવારની ઉજવણી દરમિયાન કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મૂર્તિઓ બનાવવા, પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.) નો ઉપયોગ તેમજ કેમિકલયુક્ત રંગોના ઉપયોગ કરવાનાં કારણે પાણીજન્ય રોગો, પશુઓ તેમજ માનવ જીવને થતા નુકશાનને અટકાવવા તેમજ મૂર્તિઓની ઉંચાઈ નક્કી કરવામાં આવે તેમજ પર્યાવરણને નુકશાન ન થાય તે હેતુથી સાવચેતીના પગલા રૂપે પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી.) માંથી તૈયાર થતી મૂર્તિઓના તળાવો અને નદીઓમાં વિસર્જન થવાથી પર્યાવરણને હાની પહોંચતી હોઇ તેના પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. શ્રી અમિત અરોરા, જિલ્લા મેજિસ્ટ્રેટએ, કચ્છ-ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તળે તેમને મળેલ અધિકારની રૂએ સમગ્ર કચ્છ જિલ્લાની હદમાં આવેલી દરેક સંસ્થા, મહોલ્લાના વ્યવસ્થાપકોને તા.૦૭/૦૯/૨૦૨૪ થી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી આ હુકમનો ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું છે.અનુસૂચિ મુજબ પરંપરાગત કુદરતી/પ્રાકૃતિક માટી તેમજ બાયોડિગ્રેડેબલ, ઈકો ફ્રેન્ડલી અને ટોક્ષિક ન હોય તેવા કાચા માલમાંથી મૂર્તિઓ બનાવવાની રહેશે. પ્લાસ્ટર ઓફ પેરીસ (પીઓપી), પ્લાસ્ટીક, થર્મોકોલ પોલીસ્ટાયરીન માંથી બનેલ મૃર્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મૂર્તિની ઉંચાઇ બાબતે સ્થાનિક સ્વરાજની સંસ્થાના સ્થાનિક સત્તાધિકારીએ નદીઓ,તળાવોને દયાને લઈને ધારાધોરણ નકકી કરવાના રહેશે. જળાશયોમાં પ્રદૂષણ અટકાવવા માટે મૂર્તિઓ કે તેના આભૂષણો બનાવવા માટે માત્ર સૂકા ફૂલોનો, ઘાસ વગેરે અને વૃક્ષોના કુદરતી રેઝિનનો ઉપયોગ મૂર્તિઓને આકર્ષક બનાવવા માટે કરવાનો રહેશે તેમજ મૂર્તિઓ, પંડાલ કે શણગારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મટીરીયલ્સનો ઉપયોગ સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. મૂર્તિઓને રંગવા માટે ઈકોફ્રેન્ડલી, બાયો ડિગ્રેડેબલ નોન-ટોક્ષિક અને પાણી આધારિત કુદરતી ડાઇ/રંગોનો ઉપયોગ કરવાનો રહેશે. જયારે ટોક્ષિક, નોન બાયોડિગ્રેડેબલ, રાસાયણિક ડાઈ/રંગો તથા ઈનેમલ અને સિન્થેટિક ડાઇ આધારિત રંગોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મૂર્તિઓના બ્યુટિફિકેશન માટે પેઈન્ટ અને અન્ય ઝેરી રસાયણો તથા અન્ય સામગ્રીની જગ્યાએ માત્ર કુદરતી સામગ્રી અને રંગોથી બનાવેલા દૂર કરી શકાય તેવા અને ધોવા યોગ્ય સુશોભન કપડાંનો ઉપયોગ કરવાનો રહેશે. છોડમાંથી માત્ર કુદરતી રીતે બનતા રંગો (ફૂલો, છાલ, પુંકેસર, પાંદડા, મૂળ, બીજ, આખા ફળો) અથવા રંગીન ખડકોનો ઉપયોગ રંગ માટે કરવાનો રહેશે. મૂતિઓના વિસર્જન પહેલા મૂતિઓના તમામ ફૂલો, પાંદડાઓ અને કૃત્રિમ આભૂષણો દૂર કરવાના રહેશે અને માત્ર આવી મૂર્તિઓને પુરતી સલામતી સાથે નિયુક્ત જગ્યાએ વિસર્જિત કરવાની રહેશે. વિસર્જન સમયે મૂર્તિઓ નદીઓ/તળાવના કિનારે રાખવી નહીં. નદી/તળાવમાં પધરાવવી નહીં તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહીં. શક્ય હોય ત્યાં સુધી નાની મૂર્તિઓનું વિસર્જન ઘરે ઇકો ફ્રેન્ડલી રીતે કરવાનું રહેશે એટલે કે, પાણીથી ભરેલી ડોલમાં અને મૂર્તિ સંપૂર્ણ રીતે ઓગળી ન જાય ત્યાં સુધી તેને વિસર્જનની સ્થિતિમાં રાખવાની રહેશે. મૂર્તિઓની બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણીઓ દુભાય તેવા ચિહ્નો/નિશાનીઓ રાખવી નહીં. ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તીકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમિયાન ખંડીત થયેલ મૂર્તિને બિનવારસી હાલતમાં મૂકવી નહિ. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તીઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફિકમાં અડચણરૂપ થાય તે રીતે ખુલ્લી રાખવી નહીં.કચ્છ જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો/વેપારીઓને પણ આ સૂચનાઓ લાગુ પડશે. વિસર્જન સરઘસ માટેની પરવાનગીમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવી નહી.આ હુકમના કોઇપણ ખંડ કે ભાગનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૦૭/૦૯/૨૦૨૪ થી તા.૧૬/૦૯/૨૦૨૪ (બન્ને દિવસો સહિત)સુધી અમલમાં રહેશે.


