બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ દ્વારા સુવર્ણ જયંતી સમાપન સમારોહ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ
24 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
કરણાવત હાઇસ્કૂલ,પાલનપુર ખાતે તારીખ 22 સપ્ટેમ્બર 24 ના શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ,પાલનપુર દ્વારા આયોજિત સુવર્ણ જયંતી સમાપન સમારોહ તથા સ્મરણિકા ગ્રંથ વિમોચન કાર્યક્રમનું આયોજન રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સંસ્કાર મંડળ,પાલનપુરદ્વારાશિક્ષણ,સંસ્કાર અને પ્રગતિના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાંબનાસકાંઠા ખાતે પાટીદાર સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સિદ્ધિઓ અને આયોજન અંગે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, બદલાતા સાંપ્રત સમયની સાથે શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાઈ છે. ૧૯૭૧માં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે રોપેલું કરણાવત સંસ્થાનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. તેમણે કહ્યું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭માં વિકસિત ભારતનું જોયેલું સ્વપ્ન આપણે સૌ કોઈએ સાથે મળીને પૂર્ણ કરવાનું છે. તેમણે વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધન, ગુણવત્તાયુક્ત અને રુચિ આધારિત શિક્ષણ આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકારશ્રીએ લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ થકી સરકારશ્રીએ સમાજના છેવાડાના વ્યક્તિઓને સશકત અને પગભર બનાવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતએ જણાવ્યું કે,આજના આધુનિક યુગમાં સમયની સાથે કદમ મિલાવીને સમાજના સર્વાંગી વિકાસ તરફ આગળ વધવું જોઈએ. સરકારશ્રીના પ્રયત્નોથી ગુજરાતમાં અનેક કંપનીઓ સ્થાપિત થઈ છે જેના થકી સ્થાનિક રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. વિશ્વની અગ્રણી કંપનીઓ સાથે,ગુજરાત આજે સમગ્ર સેમિકન્ડક્ટરઇકોસિસ્ટમના વિકાસનું સાક્ષી બની રહ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ચાર મોટા ઉદ્યોગ સ્થાપવામાં આવશે જેનાથી આવનાર બે વર્ષમાં એક લાખથી વધુ લોકોને રોજગારી મળશે.સને૧૯૯૦ પછી પાટીદાર સમાજે પણ શિક્ષણમાં પ્રગતિની હરણફાળ ભરી છે. આજે ધંધા અને રોજગાર સાથે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો પાટીદાર સમાજ દરેક સમાજને સાથે લઈને પ્રગતિ સાધી રહ્યો છે. વર્ષ ૧૯૭૧ થી એક વર્ગખંડથી શરૂ થયેલી કરણાવત હાઇસ્કૂલને આજે ૫૦ વર્ષ પૂર્ણ થયા છે.શાળામાં ૯ થી ૧૨ ના કુલ ૧૮ વર્ગો કાર્યરત છે. આ સાથે બાળ વાટિકાથી લઈને કોલેજ સુધી તથા હોસ્ટેલ સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસ્થાને ૫૦ વર્ષ પૂર્ણ તથા સુવર્ણ જયંતી સમાપન સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર, સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કરણાવત, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર.પી.પટેલ, પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.