દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ‘વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે વિશેષ વ્યાખ્યાન અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ

4 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
યુવાધન વ્યસનમુક્ત બની તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે: કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકી સરદાર કૃષિનગર કૃષિ મહાવિદ્યાલયના NSS યુનિટ દ્વારા તમાકુ મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું.સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય સંચાલિત ચી.પ.કૃષિ મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટ દ્વારા ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ નિમિત્તે એક વિશેષ વ્યાખ્યાન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમાકુના સેવનથી થતા નુકસાન અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ જેટલા એન.એસ.એસ. સ્વયંસેવક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે મહાવિદ્યાલયના આચાર્ય અને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે યુવાધનને વ્યસનમુક્તિ તરફ વળવા અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય શાખા, પાલનપુરના વિષય નિષ્ણાતોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં એપીડેમિઓલોજીસ્ટ ડૉ. ભારમાલ પટેલે તમાકુના સેવનથી શરીર અને ત્વચા પર થતી ગંભીર અસરો વિશે તબીબી દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. સાયકોલોજીસ્ટ શ્રી કમરલી નંદોલિયાએ વ્યસનની માનસિક લત અને તેમાંથી મુક્ત થવા માટેની મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે સમજ આપી હતી. સોશિયલ વર્કર શ્રી અનિલભાઈ રાવલે વ્યસનને કારણે પરિવારો અને સમાજ પર પડતી આર્થિક તથા સામાજિક નકારાત્મક અસરો પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે તાલુકા સુપરવાઈજર શ્રી લક્ષ્મણભાઈ પટેલે સરકારી સ્તરે ચાલતી વ્યસનમુક્તિ ઝુંબેશ અને જાગૃતિ કાર્યક્રમોની વિગતો શેર કરી હતી.કાર્યક્રમ દરમિયાન યોજાયેલી વકૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તમાકુ નિષેધ અંગે પોતાના પ્રભાવશાળી વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ડૉ. એન. વી. પટેલ તથા ડૉ. જયપાલસિંહ ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમના અંતે ચી. પ. કૃષિ મહાવિદ્યાલયના એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. સી. જે. જોષીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, તજજ્ઞો, સ્ટાફ મિત્રો અને સ્વયંસેવક વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની આભારવિધિ સંપન્ન કરી હતી તેમ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.





