દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય સ્તરે ‘બેસ્ટ સેન્ટર એવોર્ડ

11 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતીવાડા કઠોળ સંશોધન કેન્દ્રને દેશનું સર્વશ્રેષ્ઠ કેન્દ્ર જાહેર કરાયું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કઠોળ સંશોધન કેન્દ્રને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતી મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તા. 5 મે, 2026ના રોજ બેંગલુરુ સ્થિત યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચરલ સાયન્સિસ, જી.કે.વી.કે. ખાતે આયોજિત ત્રણ દિવસીય “AICRP on Kharif Pulses” ગ્રુપ મીટિંગ દરમિયાન દાંતીવાડા સ્થિત કઠોળ સંશોધન કેન્દ્રને સમગ્ર ભારતમાંથી “Best Centre Award” એનાયત કરવામાં આવ્યો હતો.આ પ્રતિષ્ઠિત એવોર્ડ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) ના મહાનિદેશક તથા કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE) ના સચિવ ડૉ. એમ.એલ.જાટના હસ્તે પ્રદાન કરવામાં આવ્યો હતો. દાંતીવાડા યુનિવર્સિટીના સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. અશોક ચૌધરી અને ડૉ. બિંદુ પાનેકરે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.દાંતીવાડા કઠોળ સંશોધન કેન્દ્ર દ્વારા કઠોળ પાકોના સંશોધન, નવીન ટેક્નોલોજીનો વિકાસ, વધુ ઉત્પાદનક્ષમ જાતોના પ્રચાર-પ્રસાર તેમજ ખેડૂતો સુધી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ પહોંચાડવા માટે સતત અને નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્રના આ ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપતા રાષ્ટ્રીય સ્તરે આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, સંશોધકો અને સમગ્ર સ્ટાફના સમર્પિત પરિશ્રમ, ટીમવર્ક અને કૃષિ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ એવોર્ડથી ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના કૃષિ ક્ષેત્રને નવી પ્રેરણા અને ગૌરવ મળ્યું છે.

યુનિવર્સિટીના કુલપતિશ્રી, અધિકારીઓ તેમજ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા કઠોળ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
***




