આણંદ – લેન્ડગ્રેબિંગ NRIની જમીન ઉપર પરિવારે ગેરકાયદેસર કબ્જો જમાવ્યો

આણંદ – લેન્ડગ્રેબિંગ NRIની જમીન ઉપર પરિવારે ગેરકાયદેસર કબ્જો જમાવ્યો
તાહિર મેમણ – આણંદ – 30/12/2024 – આણંદ તાલુકાના જોળ ગામના વતની અને છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકાના હ્યુસ્ટન ખાતે સ્થાયી થયેલાં કમલેશભાઈ ચંદુભાઈ પટેલની જોળ ગામની સીમમાં નહેર પાસે સર્વે નં. 843 વાળી જમીન આવેલ છે. આણંદના જોળ ગામની સીમમાં આવેલ NRI ની એક જમીન પર શ્રમિક પરિવારે ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે વિદ્યાનગર પોલીસે શ્રમિક પરિવારના દશ વ્યક્તિઓ વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જે વકીલફાર્મના નામે ઓળખાય છે. તેઓએ 22 વર્ષ અગાઉ પોતાની આ સંયુક્ત માલિકીની વડિલોપાર્જીત જમીનમાં કાચી ઓરડી બાંધી, રેસીયાભાઈ ભીલીયાભાઇ રાઠવા અને તેમના પરીવારના સભ્યોને કામચલાઉ રહેવા આપી હતી. થોડા વર્ષો બાદ કમલેશભાઈએ પોતાની આ જમીન વેચવાનું નક્કી કર્યું હતું. પરંતુ, આ રેસીયાભાઈ અને તેમના પરિવારજનોએ જમીન ખાલી કરી ન હતી અને મંજૂરી વગર બીજી બે ઓરડીઓ બનાવી દીધી હતી અને તમે અમને 60 લાખ રૂપિયા રોકડા અને વિદ્યાનગરમાં એક બંગ્લો અપાવી દેશો તો જ અમે આ જગ્યા ખાલી કરીશું તેમ જણાવ્યું હતું.
કમલેશભાઈએ પોતાની જગ્યા અને ઓરડી ખાલી કરવાનું અવારનવાર કહેતાં, આ રેસીયાભાઈ અને તેમના પરિવારજનોએ જો તમે આ જગ્યા ખાલી કરાવશો તો અમે તમને ખોટા કેસમાં ફસાવી દઈશુ અને તમે પાછા અમેરીકા પણ નહી જઈ શકો તેવી ધમકી પણ આપી હતી. જેથી કમલેશભાઈએ પોતાની જગ્યા ખાલી કરાવવા માટે તારીખ 15-2-24 ના રોજ એડવોકેટ મારફતે રેસીયાભાઈ અને તેમના પરિવારને લીગલ નોટીસ આપી હતી. પરંતુ, તેઓએ આ નોટીસનો જવાબ પણ આપ્યો ન હતો. બીજી બાજુ કમલેશભાઈને પરત અમેરીકા જવાનું હોવાથી તેઓએ પોતાની આ જગ્યા ખાલી કરવા માટે જે કાંઇ કાયદેસરની કાર્યવાહી કરવાની હોય તે માટે પોતાના મિત્ર જગદીશભાઇ kગણપતદાસ પટેલ (રહે. સમા ગામ, વડોદરા) ને પાવર ઓફ એટર્ની આપી હતી. જે બાદ કમલેશભાઈ પરત અમેરીકા જતાં રહ્યાં હતાં.
કમલેશભાઇએ આપેલ પાવર ઓફ એટર્નીના આધારે જગદીશભાઈએ ગત તારીખ 21-3-24 ના રોજ આણંદ જિલ્લા લેન્ડ ગ્રેબીંગ કમિટીમાં ઓનલાઇન અરજી આપી હતી. આ અરજી સંદર્ભે સભ્ય સચિવ અને ડીસ્ટ્રીકટ લેન્ડ ગ્રેબિંગ કમીટી અને નિવાસી અધિક કલેક્ટર આણંદની બેઠક થઈ હતી. જેમાં રેસીયાભાઈ અને તેમના પરિવારજનોએ આ જમીન તેમજ ઓરડીમાં ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હોવાનું જણાઈ આવતાં, તેમના વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ આપવા હુકમ કર્યો છે. જેથી જગદીશભાઇ ગણપતદાસ પટેલે પોતાના મિત્ર કમલેશભાઈ ચંદુભાઇ પટેલની જમીનમાં ગેરકાયદેસર કબ્જો જમાવનાર રેસીયાભાઇ ભીલીયાભાઇ ઉર્ફે દીલીયાભાઈ રાઠવા, કૈલાસબેન રેસીયાભાઇ રાઠવા, દીપુબેન રેસીયાભાઈ રાઠવા, વિકેસ ઉર્ફે વિકો વેસલાભાઈ રાઠવા, મુકેશ ઉર્ફે કાળીયો વેસલાભાઈ રાઠવા, સેલીબેન વેસલાભાઈ રાઠવા, કુદાભાઈ મંજીભાઈ રાઠવા, રમીલાબેન ફુદાભાઈ રાઠવા, લાલાભાઇ ઉર્ફે લાલીયો ફુદાભાઈ રાઠવા અને ભાવિનભાઈ ફુદાભાઈ રાઠવા (તમામ રહે. વકીલ ફાર્મ જોળ, તા.જી. આણંદ) વિરૂદ્ધ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરીયાદ આપી છે. જેના આધારે પોલીસે આ દશેય વ્યક્તિઓ વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
				



