
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૮ સપ્ટેમ્બર : આઇસીડીએસ વિભાગ અંતર્ગત પોષણ માહની ઉજવણી ચાલી રહી છે ત્યારે કચ્છમાં વિવિધ ઘટકોની આંગણવાડીમાં પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગરૂકતા લાવવા વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. માંડવી ગોધરા પી.એચ.સી ખાતે પોષણમાસ અંતર્ગત આરોગ્ય અને સ્વચ્છતા વિશે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોજનાકીય માહિતી, શરીરની સ્વચ્છતા, ઘર બહારની સ્વચ્છતા, રસોઈની સ્વચ્છતા, વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માંડવીના આંગણવાડી કેન્દ્ર દાદાવાડી -૨માં પૂર્ણા શક્તિના પેકેટમાંથી અલગ અલગ વાનગીઓ વિશેની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત નવજાત શિશુ અને તેની માતાની ગૃહ મુલાકાત લઈને બાળ સંભાળ અને સ્તનપાન અંગેની માહિતી આપવામા આવી હતી. અંજાર તાલુકાના અંજાર ૯ અને ૧૦ કેન્દ્રમાં પોષણ માસની ઉજવણી અંતર્ગત બાળકો દ્વારા પોષણ અભિનય ગીત અને ખાસ વાલીઓ માટે વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાણેટી ગામ ખાતે માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટ્સનો ખોરાકમાં ઉપયોગ તથા લાભાર્થીઓને રોજિંદા જીવનમાં કઠોળ શ્રીઅન્ન, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરેનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન અપાયું હતું. પોષણ માસની થીમ આધારિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. નાની બાલિકાઓ દ્વારા અભિનય ગીત રજૂ કરાયું હતું. લખપત ઘટકનાં માતાના મઢ સેજાનાં આંગણવાડી કેન્દ્ર ૫ અને ૬ દ્વારા પોષણ માસની ઉજવણી હેઠળ શ્રી અન્ન માંથી પોષણ રંગોળી બનાવીને લાભાર્થીઓને પોષણક્ષમ આહાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.











