BHACHAUGUJARATKUTCH

બંધડી પ્રાથમિક શાળાના શિક્ષક અનિલકુમાર કોદરભાઈ રાઠોડની “રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક” તરીકે પસંદગી.

કચ્છ જિલ્લા શૈક્ષિક મહાસંઘના સહ સંગઠન મંત્રી અનિલકુમાર રાઠોડનું રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષક દિને થશે સન્માન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૨૦ ઓગસ્ટ : કચ્છ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના અનેક શિક્ષકો તન,મન અને ધનથી વિદ્યાર્થીઓના હિતાર્થે શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે, શિક્ષણની સાથે સાથે અનેકવિધ સરકારી કામગીરીઓ સુપેરે નિભાવીને પૂરેપૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે, કેટલાક શિક્ષકો શાળામાં માત્ર ભણાવવાનું જ કામ નથી કરતા, પરંતુ બાળકો સાથે દિલથી- મનથી જોડાઈને એમના ઘડતરનું કામ પણ કરે છે, એ શિક્ષકોને ખબર છે કે બાળકોને શું ગમે છે, કારણ કે આવા શિક્ષકો બાળકોની આંખની ભાષા પણ ઉકેલી શકે છે. આવા શિક્ષકશ્રી એટલે ભચાઉ તાલુકાના બંધડી ગામે સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અનિલકુમાર રાઠોડ. તેઓ બંધડી ગામમાં છેલ્લા 18 વર્ષથી રહે છે. અને શાળામાં આચાર્ય અને સામાજિક વિજ્ઞાન શિક્ષક તરીકે કામગીરી કરી રહ્યાં છે. બાળ સહજ નિર્દોષતાથી કામ કરનાર ગિજુભાઈની વ્યાખ્યાને મૂર્તિમંત કરતા શિક્ષકશ્રી અનિલકુમાર રાઠોડ ને સી.આર.સી. કક્ષાના પ્રતિભાશાળી શિક્ષક, તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, વિદ્યોતેજક એવોર્ડ ગાંધીનગર, વિદ્યા વાહક સન્માન એવોર્ડ, પર્યાવરણ સંરક્ષણ કામગીરી માટે બ્રહ્મો સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા તરફથી એવોર્ડ, વગેરે એવોર્ડ પ્રાપ્ત કરેલ છે, તેમજ

બંધડી પ્રાથમિક શાળામાં મારું ગામ, વિદ્યાધામ પ્રોજેક્ટ થી વાલીઓનો સહયોગ, મારી જાદુઈ શાળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓથી આનંદમય કાર્યક્રમોમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમની ઉજવણી, શૂરવીર શુક્રવાર દ્વારા શુરવીરોના જીવન મૂલ્યો ની બાળકોમાં સમજ, CCRT ન્યું દિલ્હી ના સહયોગથી કચ્છ વિરાસત કલ્ચર ક્લબ દ્વારા કચ્છની સંસ્કૃતિને દેશના ખૂણે ખૂણે પહોંચાડી, ભારતની ભવ્યતા મારા વર્ગમાં ઇનોવેશન દ્વાર ભારતના ભવ્ય વારસાની સમજ, વગેરે જેવા શાળા કક્ષાએ કાર્યો કર્યા છે. ગામના સહયોગથી શાળામાં વોટર કૂલર, શૈક્ષણિક કીટ, યુનિફોર્મ અને સ્વેટર વિતરણ, સ્માર્ટ વર્ગ માટે બેન્ચ, શાળાના મેદાન અને બગીચા માટે માનવ સંસાધનો અને ગામના સહયોગથી વિકાસ, ગામની રામગર દાદા સેવા સમિતિના યુવાનોનો શિક્ષણમાં સક્રિય સહયોગ મેળવી કોરોના સમય બાદ ખુબ સુંદર કામગીરી શાળા કક્ષાએ કરી છે. શાળાને વિજ્ઞાન મેળામાં તાલુકા કક્ષાએ, કલાઉત્સવામાં તાલુકા કક્ષાએ અને CET અને NMMS માં પણ બાળકોને શિક્ષક જાતે પરીક્ષા ખંડ સુઘી પહોંચાડીને બાળકના શિક્ષણની સેવા કરી રહ્યા છે. આ ઉપરાંત અનિલકુમાર રાઠોડ રાજ્ય કક્ષાએ સામાજિક વિજ્ઞાનના રિસોર્સ પર્સન અને KRP તરીકે કામગીરી કરી રહ્યા છે. જિલ્લા કક્ષાએ સામાજિક વિજ્ઞાનના તજજ્ઞ, નિષ્ઠા તાલીમ તજજ્ઞ, વિદ્યાસહાયક મોડ્યુલ નિર્માણ કામગીરી, સાંસ્કૃતિક ધરોહર તાલીમ તજજ્ઞ, NEP વર્કશોપ કામગીરી, અને જિલ્લા કક્ષાએ કચ્છ વિરાસત કલ્ચર ક્લબના સહયોગથી અન્ય શાળામાં પણ ક્લબની કામગીરી મૂકી રહ્યાં છે. હાલમાં તેઓ ભચાઉ તાલુકાના નેર, અમરસર અને બંધડી ગામ વચ્ચે ધોરણ ૯ અને ૧૦ ના શિક્ષણ માટે ગામના સહયોગથી સરકારી હાઇસ્કૂલ નિર્માણ માટે પ્રયત્ન કરી રહ્યા છે. બંધડી ગ્રામ પંચાયત સમરસ ગામ અને શિક્ષણ પ્રેમી વાલીઓ દ્વારા ખૂબ સહયોગ મેળવી રહ્યા છે. તદુપરાંત તેઓ કેન્દ્ર કક્ષાએ CCRT હૈદરાબાદ, CCRT ન્યુ દિલ્હી, CCRT ઉદેપુર અને ભારતનાં તમામ રાજ્યોના કલ્ચર ક્લબના મેમ્બર તરીકે દેશ કક્ષાએ કાર્ય કરી રહ્યાં છે. ઉત્તર ગુજરાત અરવલ્લી જીલ્લાના વતની હોવા છતાં છવાયા કચ્છી તરીકે કચ્છની સંસ્કૃતિ સાથે રંગાઈને કાર્ય કરી રહેલા શિક્ષકશ્રી અનિલકુમાર રાઠોડને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ચોમેરથી અભિનંદન પાઠવવામાં આવી રહયા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના તમામ સંવર્ગો અને કચ્છ જિલ્લાનો શિક્ષક પરિવાર અભિનંદન પાઠવે છે.

Back to top button
error: Content is protected !!