
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા – 28 ફેબ્રુઆરી : રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ૧૪ વર્ષની કિશોરીઓ માટે કેન્સર વિરોધી એચ.પી.વી. વેક્સિન લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ અભિયાનને સફળ બનાવતા પૂર્વે આરોગ્યના પાયાના કર્મચારીઓએ પોતાની વ્યાજબી માંગણીઓ અને કેટલીક ગંભીર મૂંઝવણો સરકાર સમક્ષ રજૂ કરી છે. આરોગ્ય ખાતાના જાણકાર વર્તુળ દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ કોઈપણ રસીકરણ અભિયાનમાં ફિલ્ડ કર્મચારીઓ જનતા અને સરકાર વચ્ચેની મુખ્ય કડી હોય છે પરંતુ કોરોના કાળના કડવા અનુભવો બાદ કર્મચારીઓમાં કેટલીક આશંકાઓ સેવાઈ રહી છે.
એચ.પી.વી. વેક્સિન માત્ર ક્વોલિફાઇડ ડોક્ટરની હાજરીમાં અને વાલીઓની લેખિત બાંહેધરી (Consent) સાથે જ આપવાની જોગવાઈ રાખવામાં આવી છે જે બાબત રસીની આડઅસરો અંગે જનતામાં શંકા પેદા કરી શકે છે. કર્મચારીઓનું કહેવું છે કે જો કોઈ પ્રતિકૂળ અસર થાય તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? કોરોના રસીકરણ વખતે દિવસ-રાત જોયા વગર કામ કરનાર કર્મચારીઓને પાછળથી જનતાના રોષનો ભોગ બનવું પડ્યું હતું તેવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે રસીની સુરક્ષા અંગે સરકાર દ્વારા વૈજ્ઞાનિક સ્પષ્ટતા અને કર્મચારીઓને વહીવટી રક્ષણ મળવું અત્યંત જરૂરી છે.બીજી તરફ વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે પણ સરકાર ઉદાસીન જણાય છે. ઉચ્ચતર પગાર ધોરણ (Higher Grade) મેળવવા માટે ખાતાકીય પરીક્ષાની શરત મૂકવામાં આવી છે પરંતુ લાંબા સમયથી આ પરીક્ષાઓ યોજાઈ જ નથી. કર્મચારીઓની માંગ છે કે તાજેતરમાં તલાટીઓને જે રીતે પરીક્ષામાંથી મુક્તિ આપી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અપાયો છે તેવો જ લાભ આરોગ્ય કર્મચારીઓને પણ મળવો જોઈએ. ખાસ કરીને ૫૦ વર્ષથી વધુ વયના કર્મચારીઓને સીસીસી પરીક્ષાની જેમ જ ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી જોઈએ જેથી વય મર્યાદાના કારણે તેઓ અન્યાયનો ભોગ ન બને.આરોગ્ય કર્મચારીઓ હંમેશા જનતાના સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ રહ્યા છે અને રહેશે. પરંતુ સરકાર કર્મચારીઓ પર દબાણ લાવવાને બદલે તેમના આર્થિક હકોનું રક્ષણ કરે અને રસીકરણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવે તે જરૂરી છે. જો સરકાર આ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવશે તો જ જનતાનો વિશ્વાસ જળવાઈ રહેશે અને કર્મચારીઓ પણ ઉત્સાહભેર રાષ્ટ્રહિતના આ કાર્યમાં જોડાઈ શકશે.




