GUJARATKHERGAMNAVSARI

બહેજ ગામે સ્મશાનભૂમિનો રસ્તો બેહાલ: યુવાનો પોતે ઉતર્યા મેદાને, આવનારી ચૂંટણીમાં પરિવર્તનની ચીમકી

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ તાલુકાના બહેજ ગામે પટેલ ફળિયાથી ઔરંગા નદીની તળેટીમાં આવેલી સ્મશાનભૂમિ સુધી જતો માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી બેહાલ હાલતમાં જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં ભારે વરસાદ દરમિયાન પાણીના ધોવાણથી રસ્તો તૂટી ગયો હતો, પરંતુ આજદિન સુધી તેની યોગ્ય મરામત કરવામાં આવી નથી.ગામજનો દ્વારા અનેક વખત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે, છતાં પણ કોઈ સ્થાયી નિરાકરણ આવ્યું નથી. જેના કારણે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે.મહાશિવરાત્રીના પાવન અવસરે ગામની યુવા પેઢીએ આ મુદ્દે ઝુંબેશ હાથ ધરી છે. “જો સરકાર અને પંચાયત અમારી મૂળભૂત જરૂરિયાતો પૂરી નહીં કરે તો અમે ગામલોકો પોતે સફાળો ઉઘરાવી રસ્તાનું કામ પૂર્ણ કરીશું,” એવી જાહેરાત સાથે યુવાનો દ્વારા JCB મંગાવી તાત્કાલિક સમારકામ કામગીરી શરૂ કરવામાં આવી છે.યુવાનો દ્વારા આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પરિવર્તનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે જો તંત્ર તરફથી આવી બેદરકારી યથાવત રહેશે તો આવનારી ચૂંટણીમાં ગામના લોકો પરિવર્તન લાવવાનો નિર્ણય લઈ શકે છે.હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમગ્ર મામલે ગંભીરતા દાખવી સત્તાવાર તપાસ અને માર્ગનું કાયમી નિરાકરણ લાવે છે કે નહીં.

Back to top button
error: Content is protected !!