GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે શ્રી ગણેશ યુવક મંડળે પોતાના પંડાલમાં “ઓપરેશન સિંદુર” થીમને સ્થાન આપ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મહાનગરપાલિકા વિસ્તારના ગણેશચોક સ્થિત શ્રી ગણેશ યુવક મંડળે આ વર્ષે ગણેશોત્સવને એક અનોખી ઓળખ આપી છે.  સ્વદેશી વસ્તુ અપનાવો વિદેશી ભગાવો, અપના ત્યોહાર આપનો સે વ્યવહાર, આત્મ નિર્ભર ભારત ના પ્રેરણાદાયી સંદેશ સાથે ભગવાન શ્રી ગણેશજીની ભવ્ય સ્થાપના સાથે “ઓપરેશન સિંદુર” ની થીમ રજૂ કરવામાં આવી છે, જે દેશના જવાનોનું શૌર્ય, બહાદુરી અને બલિદાનને યાદ કરાવે છે. આ થીમ દ્વારા યુવાનો અને મુલાકાતીઓને દેશપ્રેમ તથા રાષ્ટ્રભક્તિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

ગણેશજીની મૂર્તિની આગળ “ભારતીય હો,તો ભારતીય ઉત્પાદનો /પેદાશ ખરીદો” જેવા આત્મનિર્ભર ભારતના સ્લોગન લગાવવામાં આવ્યા છે. આ સંદેશ દ્વારા યુવક મંડળે જનમાનસને સ્વદેશી ઉત્પાદનો /પેદાશોના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા છે, જેથી દેશની આર્થિક પ્રગતિમાં સામાન્ય નાગરિકો પણ પોતાનું યોગદાન આપી શકે. વિશેષરૂપે, પંડાલમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકનો ફોટો મૂકવામાં આવ્યો છે. તિલકજીએ સામાજિક અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહિત કરવા માટે જાહેર ગણેશોત્સવની પરંપરા શરૂ કરી હતી. તેમની યાદ સાથે યુવક મંડળે ગણેશ મંડળોના પ્રારંભકર્તા તથા રાષ્ટ્રજાગૃતિના પ્રણેતા પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી છે. ગણેશોત્સવ હંમેશા ભક્તિ સાથે સાથે સામાજિક જાગૃતિનો તહેવાર રહ્યો છે. તેથી આ નવસારીના શ્રી ગણેશ યુવક મંડળનું  પંડાલ માત્ર ધાર્મિક ભક્તિ માટેનું કેન્દ્ર નહીં, પરંતુ દેશના ગૌરવ, આત્મનિર્ભર ભારત અને જનજાગૃતિ માટેનો પ્રેરણાદાયી માધ્યમ બની રહ્યો છે.

Back to top button
error: Content is protected !!