ભરૂચ: ટંકારીયામાં ખાનગી શાળામાં ગંભીર ગેરરીતિનો ખુલાસો, આઈ.એન.વિદ્યાલયના ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ

સમીર પટેલ, ભરૂચ
આઈ.એન.વિદ્યાલયના ટ્રસ્ટી મોહમ્મદ હનીફ મુસા પાવડીયા, મકબુલ ઈબ્રાહીમ અભલી સહિત અન્ય સંડોવાયેલા લોકો સામે ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામ ખાતે સંચાલિત આઈ.એન.વિદ્યાલયમાં વર્ષો સુધી થયેલી ગંભીર વહીવટી અને દસ્તાવેજી ગેરરીતિઓ સામે હવે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તાલુકા પંચાયત ભરૂચના ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારી યોગેશભાઈ ભીખુભાઈ પટેલ દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, તા.17/05/2001 થી તા.06/04/2021 દરમ્યાન આઈ.એન. વિદ્યાલયના સંચાલકો દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. શાળામાં પીવાના પાણી, શૌચાલય તેમજ રમતોના મેદાન જેવી ફરજિયાત સુવિધાઓ ન હોવા છતાં માસિક ફોર્મ નં.૬, ખાનગી શાળા માન્યતા ફોર્મ તથા સરકારના ગેઝેટ મુજબના ચેકલિસ્ટમાં ખોટી વિગતો દર્શાવી તાલુકા તથા જિલ્લા શિક્ષણ કચેરીમાં રજૂ કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ શાળા સાર્વજનિક યુવક મંડળ ટંકારીયા નામના ટ્રસ્ટ દ્વારા સંચાલિત હતી, જેની નોંધણી વર્ષ 2000માં કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર ધોરણ 5 માટે મંજૂરી લેવામાં આવી હતી, પરંતુ બાદમાં દર વર્ષે મંજૂરી લઈ ધોરણ 1 થી 8 સુધી શાળા ચલાવવામાં આવી. શાળાના સંચાલકો દ્વારા અન્ય ટ્રસ્ટ પાસેથી ભાડે લેવામાં આવેલા મકાનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું.
વર્ષ 2020માં શાળાના વહીવટમાં થયેલી ગેરરીતિ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વિવિધ રજૂઆતો મળતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તે દરમિયાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં અનેક વિસંગતતાઓ અને નિયમભંગ સામે આવ્યા હતા. આ તપાસ અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મોકલવામાં આવ્યો હતો.
વડી કચેરીના આદેશ બાદ સરકાર તરફથી ફરિયાદ દાખલ કરવા જણાવવામાં આવતા હાલ ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે આઈ.એન.વિદ્યાલયના ટ્રસ્ટી મોહમ્મદ હનીફ મુસા પાવડીયા અને મકબુલ ઈબ્રાહીમ અભલી સહિત અન્ય સંડોવાયેલા લોકો સામે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ સમગ્ર મામલાએ ભરૂચ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચાવ્યો છે અને હવે આગળની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.




