વાગરા: દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ, વેરહાઉસ બળીને ખાખ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા, સ્થાનિકોમાં ભયનો માહોલ.
સમીર પટેલ, ભરૂચ
વાગરા તાલુકાના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના વેરહાઉસમાં લાગેલી આ આગ એટલી વિકરાળ હતી. કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પ્રાથમિક માહિતી મુજબ આગ કંપનીના વેરહાઉસમાં કોઈ અગમ્ય કારણોસર લાગી હતી. અને જોતજોતામાં જ તેણે આખા વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આગની ભયાનકતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અને તેને વધુ ફેલાતી અટકાવી હતી. જોકે આ ઘટનામાં વેરહાઉસમાં રાખેલો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. જેના કારણે કંપનીને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ કામદાર કે કર્મચારીને ઇજા થઈ હોવાના એહવાલ નથી. જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. આગનું કારણ અને નુકસાનનો અંદાજ મેળવવા માટે કંપનીના અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે.