
ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે સટ્ટા બેટિંગના આંકફરકના આંકડાનો જુગાર રમાડતી મહિલા ઝડપાઈ
ઝઘડિયા જીઆઇડીસી પોલીસે આંકડા લખવાના સામાન સહિત કુલ રૂપિયા ૧૧ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો
ઝઘડિયા તા.૨૩ નવેમ્બર ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે સટ્ટા બેટિંગના આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી એક મહિલા ઝડપાઈ હતી. આ અંગે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ધારોલી ગામે તળાવ ફળિયામાં રહેતી ઉર્મીલાબેન વસાવા નામની મહિલા તેના ઘરની આગળના ભાગે આવેલ અડાળીમાં કેટલાક ઇસમોને ભેગા કરીને સટ્ટા બેટિંગના આંકડા લખીને હારજીતનો જુગાર રમાડે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા સદર મહિલા તેના ઘરની આગળના ભાગે આવેલ અડાળીમાં બેસીને આંકડા લખતી જણાઇ હતી,અને અન્ય કેટલાક ઇસમો તેની પાસે આંકડા લખાવતા હતા. પોલીસને સદર મહિલા પાસેથી આંકડા લખવાની બે બુક મળી આવી હતી, જેમાં વિવિધ બજારોના સટ્ટા બેટિંગના આંકડા લખેલ હતા. પોલીસે સ્થળ ઉપરથી આંકડા લખેલ બુક નંગ ૨,બોલપેન,કાર્બન પેપર તેમજ રોકડા રૂપિયા ૧૧૩૦૦ કબ્જે લઇને સ્થળ ઉપર હાજર મળેલ ઉર્મીલાબેન રમેશભાઈ વસાવા રહે.ગામ ધારોલી તા.ઝઘડિયાના વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



